ભુજ તાલુકાનું કુનરીયા ગામ રેતી ચોરી માટે અવાર નવાર ચર્ચામાં રહે છે ત્યારે ત્રણેક દિવસથી કુનરીયા ગામમાં લીઝ બહારના વિસ્તારમાં રેતી ખનન કરાયું હોવાની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. બુધવારે માપણી શીટ તૈયાર થઈ ગઈ છે અને આજે દંડ તેમજ ફોજદારીના ભણકારા વાગશે તેવું સુત્રોએ કહ્યું હતું.
કુનરીયા પંથકમાં છેલ્લા ઘણા સમયથી રેતી ચોરીનું કારસ્તાન ચાલી રહ્યું છે. રેતી ચોરી બેફામ બનતા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ પહોંચી હતી. ખનીજ વિભાગ દ્વારા ત્રણ દિવસ પૂર્વે તપાસ શરૂ કરવામાં આવી હતી. લીઝ સિવાયના વિસ્તારમાં ખનન થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા ગામના તલાટીને બોલાવાયા હતા, તેમજ ખનીજ વિભાગના કર્મચારીઓએ માપણી શરૂ કરી હતી.
બુધવારે માપણી શીટ તૈયાર થઇ ગઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ અંગે ખાણ ખનીજ વિભાગના યોગેશ મહેતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રેતીની લીઝ હતી તેની બાજુના સર્વે નંબરમાંથી રેતી ખનન કરાઇ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જ દેખાઈ આવ્યું છે. બુધવારે સાંજે માપણી શીટ તૈયાર થઈ ગઈ છે અને આજે ગુરુવારે દંડ તેમજ ફોજદારી પગલાં ભરવામાં આવશે. લીઝ સિવાયના બાજુના સર્વે નંબરમાં રેતી ચોરી થઈ છે ત્યાં સ્થાનિકે બે લોકોએ રેતી કાઢી હોવાની કબૂલાત પણ કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
તલાટીની કલાકો સુધી રાહ જોવી પડી
સૂત્રોએ જણાવ્યું હતું કે,ખાણ ખનીજ વિભાગની ટીમ રેતી ચોરીની કાર્યવાહી માટે કુનરીયા ગામમાં પહોંચી ત્યારે જે સર્વે નંબરમાં કાયદેસરની લીઝ છે તેની બાજુમાંથી ખનન કરાયું હતું. તેની માપણી તેમજ સર્વે નંબરની ચકાસણી કરવાની હોવાથી ગામના તલાટીને બોલાવાયા હતા.જોકે તલાટી કલાકો સુધી સ્થળ પર આવ્યા ન હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.