આયુર્વેદિક ઉપાય:ગરમીમાં રાહત મેળવવા ફ્રીઝનું નહીં પણ માટલાના ઠંડા પાણીમાં સાકર કે મધ ઉમેરી પીવું

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉનાળામાં સ્વાસ્થ્ય સંદર્ભે કચ્છ જિલ્લા આયુષ અધિકારીએ આપ્યું માર્ગદર્શન

કચ્છ જેવા વિષમતા ધરાવતા પ્રદેશમાં આકરા તાપ વચ્ચે આયુર્વેદ દ્વારા કેમ મજબૂત બનવું તે કચ્છ જિલ્લા આયુષ અધિકારીએ જણાવતાં ઋતુ આહાર વિશે તેમજ કેવી રીતે રહેવું, શું ખાવું, શું ન ખાવું અને શું કરવું, શું ન કરવું એ માટે દરેક ઋતુની અલગ ઋતુચર્યાની વિસ્તૃત માહિતી આપી હતી. ઉનાળામાં એટલે કે ગ્રીષ્મ ઋતુમાં સ્વસ્થ રહેવા, ઉનાળામાં થતી બિમારીઓથી તેમ જ હિટ વેવથી બચવા માટે પણ આ નિર્દેશોનું પાલન ઉપયોગી બને.

જીવનશૈલીમાં શું ફેરફારો કરવા ?
તડકો, સીધા ગરમ પવનથી બને એટલું દૂર રહેવું. બપોરે કુદરતી ઠંડા વાતાવરણમાં રહેવું. ચંદન, સુખડ વગેરેનો લેપ કપાળ અને માથાના ભાગમાં કરવો. રાત્રે અગાશી કે ધાબા પર સૂવું. ખાસ સુતરાઉ, સફેદ રંગના, હળવા અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા. તડકામાં નીકળવા સમયે માથું અને હાથ-પગ વગેરે ખુલ્લા અવયવો કપડાંમાં ઢાંકીને નીકળવું. તડકામાંથી ઘરે આવીને તરત જ હાથ-પગ-મોં ધોવા નહીં, તરત પાણી પીવું નહીં. સવારે કેસૂડાના ફૂલ નાખેલ પાણીથી નહાવું. કસરત (ખાસ કરીને વેઇટ-લિફ્ટિંગ) ન કરવી.
લૂ લાગવાના (સન સ્ટ્રોક) લક્ષણો અને ઉપાય
માથામાં દુઃખાવો, હદયના ધબકાર વધવા, શોષ પડવો, થાક લાગવો, બેભાન થઈ જવું, ચામડી લાલ થઈ જવી, અશક્તિ લગાવી, ઝાડા થવા આમાંનું કઈં પણ થાય તો આયુર્વેદિક દવાખાનાઓમાં લૂ સામે રક્ષણ આપતી દવા 5 ગ્રામ (અંદાજિત 1 ચમચી) અને સાકર માફકસર (અંદાજિત 2 ચમચી) મેળવી એક ગ્લાસ માટલાના ઠંડા પાણીમાં એક કલાક સુધી રાખી ગાળીને લેવું. કાચી કેરીનો બાફલો, કોકમનું શરબત, ખસનું શરબત, વરિયાળીનું શરબત, લીંબુ શરબત, ધાણાનું પાણી પીવું. ડાયાબીટીસના દર્દીઓએ સાકર ના બદલે દેશી જૂના મધનો ઉપયોગ કરવો હિતાવહ છે.

ખાવા-પીવામાં શું ધ્યાન રાખવું?
તરસ અનુસાર કુદરતી ઠંડુ થયેલ પાણી-પીણાં પીવું. ફ્રિજનું ઠંડુ પાણી કે બરફ નાખેલું પાણી-પીણાં ન પીવાં. માટલાના ઠંડા પાણીમાં થોડી સાકર કે મધ ઉમેરી પીવું. માટલામાં સુગંધી વાળાની પોટલી મૂકવી. ભુખ કરતાં ઓછો, પચવામાં હળવો ખોરાક લેવો પ્રવાહીનું પ્રમાણ થોડું વધારે રાખવું. વિવિધ ફળોના શરબત (ઘરે બનાવેલા) સાકર અને મધ ઉમેરીને લેવા. સકરટેટી, દ્રાક્ષ, ફાલસા, કેરી, સંતરા, દાડમ વગેરે ઋતુ પ્રમાણેના ફળો લેવા.

​​​​​​​ગુલકંદનું સેવન કરવું. પચવામાં સરળ અને હળવા હોય તેવા દૂધી, સરગવો, ગલકાં, તુરિયા, ટીંડોળા, કારેલા જેવા શાક લેવા. બજારુ પેકિંગ કરેલા ફ્રૂટના જ્યુસ કે રેડી મેઇડ કોલ્ડ ડ્રિંક્સ ન લેવા. નાળિયેર પાણી, મધ અને પાણી, વરિયાળી કે ધાણા નાખીને બનાવેલ પાણી પીવું. ખાટા, તીખા, તળેલા, ખારા સ્વાદવાળા ખોરાક ન લેવા. રાઈ, મરચું, મરી, લસણ, ગોળ, રીંગણ તથા ગરમ મસાલાવાળા ખોરાક ન લેવા. ચોખા સાથે ઘી અને દૂધ (ખીર)નું સેવન કરવું.

અન્ય સમાચારો પણ છે...