ભાસ્કર વિશેષ:છેડતી, ફોન-મેસેજની પજવણી, ત્રાસથી કંટાળી વર્ષમાં 1341 મહિલાએ અભયમની મદદ લીધી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 774 કિસ્સામાં સ્થળ પર સમાધાન,બાકીના કેસોમાં કાયદાકીય કાર્યવાહી થઈ

મહિલાઓ પર અત્યાચારના બનાવો સતત વધી રહ્યા છે અગાઉ મહિલાઓ શોષણનો ભોગ બનતી હતી પણ હવે સરકારે મહિલાઓ માટે 181 અભયમ હેલ્પલાઈન શરૂ કરી હોવાથી તેની મદદ લેતા થયા છે.વર્ષ 2022 દરમિયાન કચ્છ જિલ્લામાં અભયમ હેલ્પલાઇન સેવા 1341 પીડિત મહિલાઓને મદદરૂપ થઈ હતી.ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્રારા કાર્યાન્વિત તથા એમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વી દ્વારા સંચાલિત અભયમ 181 મહિલા હેલ્પલાઈન પીડિત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થીનીઓ, અને સીનીયર સિટીઝન મહિલાઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે.

અભયમ 24x7 વિનામૂલ્યે સેવાઓ પુરી પાડી રહી છે.જેથી દિન પ્રતિદિન મહિલાઓમાં અનેરો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી રહી છે.ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ નરેન્દ્રસિંહ ગોહિલના માર્ગદર્શનમાં સેવાનું સંચાલન થઈ રહ્યું છે.અસરકારક કાઉન્સેલિંગ દ્વારા વિખરાતા પરિવારને બચાવ્યાની અનોખી કામગીરી, મનોરોગી મહિલાઓને પરિવાર સાથે મિલન કે સુરક્ષિત આશ્રય અપાવવો, આત્મહત્યાના વિચારોમાંથી મુક્તિ અપાવવા કાર્ય કરાઈ રહ્યું છે.અભયમ મોબાઈલ એપ્લિકેશન, અભયમ પોલિસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓમા ઉપયોગી નિવડી રહ્યું છે.

કચ્છમાં આદિપુર અને ભુજ ખાતે રેસ્ક્યુ વાન કાર્યરત છે.વર્ષ 2022માં જિલ્લામાં 1341 પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર મદદ પહોચાડવામાં આવી હતી.તેમાંથી 774 કિસ્સામાં કાઉન્સેલિંગની મદદથી સ્થળ પર સમાધાનકારી નિરાકરણ લવાયું છે અને અન્ય 528 કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન,મહિલા સહાયતા કેન્દ્ર,સખી વન સ્ટોપ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા.

આ મુશ્કેલીઓમાં મહિલાઓ ફોનમાં ડાયલ કરે 181 નંબર
મહિલાઓ પર થતા શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલું હિંસા સહિતના કિસ્સાઓ, કામના સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિન જરુરી ફોન કોલ-મેસેજ થી હેરાનગતિ, મહિલાને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ,અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓમા સેવા મદદરૂપ બની છે.

અન્ય સમાચારો પણ છે...