કચ્છમાં છેલ્લા બે દાયકાથી વરસાદનું સ્વરૂપ બદલાયું છે એક સમયે વરસાદ અનિયમિત અને દુષ્કાળ નિયમિત હતો તેને બદલે હવે વરસાદ નિયમિત થયો છે, પરંતુ એક સાથે 5 થી 10 ઇંચ વરસી પડવાની પેટર્ન જળસંગ્રહ માટે નવી રીત અપનાવવા તરફ લઈ જાય છે. કચ્છમાં જળ વ્યવસ્થાપન જરૂરી હોવાનું 3000 વર્ષ અગાઉ ધોળાવીરાની હડપ્પન સંસ્કૃતિમાં પણ સ્પષ્ટ દેખાય છે.
ક્લાઈમેટ ચેન્જ થતા વરસાદની બદલાયેલી પેટર્ન અનુરૂપ ભૂગર્ભ જળની સાચવણી અને સ્તર ઉપર લઇ આવવા માટેના વિચારનો વ્યાપ વધારવા માટેની પ્રભાત જળ સ્ટીવર્ડશિપ કાર્યક્રમ અંતર્ગત તજજ્ઞો દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
જેમાં એક વિચાર સપાટીએ આવ્યો કે, દરેક કચ્છવાસીએ ‘પાણીનું બજેટ’ બનાવવાનો સમય આવી ગયો છે.આગાખાન એજન્સી ફોર હેબિટેટ દ્વારા હિન્દુસ્તાન યુનીલીવર લિમિટેડ અને કચ્છ યુનિવર્સિટીના સહકારથી ભુજમાં વાતાવરણના ફેરફાર મુજબ જળ સુરક્ષા અનુકૂલન વિષય પર સેમિનાર યોજાયો હતો.
જેમાં કચ્છમાં જળ વ્યવસ્થાપનના થતા પ્રોજેક્ટ સાથે જોડાયેલી સંસ્થાઓના તજજ્ઞોની ટીમ દ્વારા આ જિલ્લામાં કરવામાં આવતી કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર જી.એસ. બુટાણીએ જણાવ્યું કે, પાણીની જો યોગ્ય ઉપલબ્ધી હશે તો જ સંસ્કૃતિ ટકી શકશે અને વિકાસ પામશે.
આજની પરિસ્થિતિ માટે આપણે સૌ જવાબદાર છીએ. એસીટીના ડાયરેકટર યોગેશ જાડેજાએ કચ્છ વિશેની ખોટી માન્યતાઓ અને તેની સામે વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. ધોળાવીરાના ઇજનેરી કૌશલ્ય, બન્ની વિસ્તારમાં વીરડા અને તેના દ્વારા ક્ષાર ઘટાડવાની રીત, જમીન અને ભૂગર્ભજળ વ્યવસ્થા તેમજ ભુજમાં તળાવો દ્વારા ઉપલબ્ધ જળનું સંગ્રહ કરવા માટેનું રાજાશાહીના સમયનું આયોજન વગેરે મુદ્દા પર પ્રકાશ પાડ્યો હતો.
સમાજમાં આર્થિક બદલાવ માટે જળ વ્યવસ્થાપન જરૂરી
કચ્છમાં પશુપાલન અને ખેતી મુખ્ય વ્યવસાય છે. વરસાદનો સ્વરૂપ બદલાતા આ બંને માટે જરૂરી પાણી તો મળી રહે છે પરંતુ સંગ્રહ વ્યવસ્થા હજી ટૂંકી પડે છે. ખેતી માટે એક સાથે પડતો વરસાદ નુકસાન કરે છે, તો પશુઓને પણ બારે મહિના પાણી મળી રહે તે માટે જળસંગ્રહ કરવો જરૂરી છે. માટે જ તળાવ ઊંડા કરવા, બોર વ્યવસ્થિત કરવા, ભૂગર્ભ જળની સાચવણી, ડેમ, ચેક ડેમના નિર્માણ કચ્છમાં વધુને વધુ થયા તે આવશ્યક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.