કચ્છમાં સોમવારથી માવઠું થવાની આગાહી વ્યક્ત કરાયા બાદ બે દિવસ કોરા રહ્યા હતા પણ બુધવારે વહેલી સવારથી જ કેટલાક વિસ્તારોમાં માહોલ ગોરંભાયો હતો અને જાણે અષાઢ માસ હોય તેમ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ભુજમાં ભુજમાં છાંટા તો નિરોણામાં કરા પડ્યા હતા. નખત્રાણા તાલુકાના ગામોમાં પણ ઝરમર કે છાંટા પડતાં કિસાન આલમમાં ચિંતા પ્રસરી હતી. દરમિયાન શનિવાર સુધી અમુક સ્થળે તોફાની પવન સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવાઇ છે.
ભુજમાં સવારે 6 વાગ્યાના અરસામાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા જેના એક કલાક બાદ વીજળીના કડાકા ભડાકા થયા હતા જો કે, માત્ર છાંટા પડતાં માર્ગો ભીંજાયા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ અરસામાં ગાજવીજ થઇ હોવાનું જાણવા મળ્યું હતું.
પાવરપટ્ટીના મુખ્ય મથક નિરોણામા આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. સાંજે ગાજવીજ અને કરા સાથે માવઠું થતાં 10 મીલિ મીટર જેટલું પાણી વરસ્યું હતું. હરીપુરા અને અમરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદના અહેવાલ સાંપડ્યા હતા. ઘઉં, ઇસબગુલ, ધાણા, રાયડો સહિતના પાકોને નુકસાન થશે તેવું અમરગઢના ખેડૂત નગીન પટેલે જણાવ્યું હતુ_ ચાંદ ફાર્મથી લોરિયા સુધીના વિસ્તારમાં પણ માવઠું થતાં કિસાનો ચિંતિત બન્યા હતા.
ભચાઉમાં વહેલી સવારે મેઘગર્જના સાથે છાંટા પડતાં માર્ગો ભીંજાયા હતા. તાલુકાના ચોબારી, કડોલ , કુંભારડી સહિતના ગામોમાં પણ વહેલી સવારે છાંટાપડ્યા હતા. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કમોસમી વરસાદથી કેટલાક પાકોને નુકસાની પણ પહોંચી હતી. પશ્ચિમ કચ્છમાં પણ વહેલી સવારથી જ ગટાદાર વાદળો છવાઈ ગયા હતા.
વીજળીના કડાકા ભડાકા થતા કિસાનોમાં ચિંતા ફેલાઇ હતી. નખત્રાણા તાલુકાના રવાપર પંથકના નાગવીરી, વિગોડી, ઘડાણી, નવાવાસ, રતડીયા,આમારામાં ખેડૂતોને ખેતરોમા તાલપત્રી ઢાંકવા માટે દોટ મુકવી પડી હતી. હાલે રાયડો, ઘઉં, ઈસબગુલ જેવા તૈયાર પાકો કાઢવાનુ ચાલુ છે તેવામાં અચાનક વાતાવરણ પલટતા ચોમાસો જેવો માહોલ ઉભો થઈ ગયો હતો. કયાંક ઝરમર તો અમુક સ્થળે છાંટા પડયા હતા. ઘડાણીના ખેડુત હિતેશ પોકાર તેમજ જીતુ રંગાણીએ તૈયાર ખેતપેદાશોને નુક્સાની થવાની ભીતિ દર્શાવી હતી.
તૈયાર પાકને સલામત સ્થળે ખસેડવા તાકીદ
શનિવાર સુધી કચ્છના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ અને વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના હોઈ સ્થિતિમાં સુધારો ન આવે ત્યાં સુધી શાકભાજી તેમજ તૈયાર થયેલા બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા, એ.પી.એમ.સી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત-જણસોના જથ્થાને સલામત સ્થળે રાખવા જિલ્લા બાગાયત અધિકારીએ વધુ એકવાર તાકીદ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.