કચ્છના વાતાવરણમાં છેલ્લા બે ત્રણ દિવસથી પલટો આવતા વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. આજે સોમવારે ભુજ અને તાલુકાના કુકમાં, પધ્ધર, લાખોંદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે કરા તેમજ વરસાદી છાંટા પડ્યા છે. ફૂકમાં અને નડાપા ગામે ભારે વરસાદી ઝાપટું પડતા માર્ગો પર પાણી વહી નીકળ્યા છે. તો અનેક સ્થળે હળવા ઝાપટાથી માર્ગો ભીના બની ગયા છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂત વર્ગ ચિંતામાં મુકાયો છે. ભુજમાં ભારે પવન સાથે શીતલહેર છવાઈ જવા પામી છે. જ્યારે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મોટા છાંટા પડી રહ્યા છે. વરસાદના પાણીથી બચવા લોકો સલામત સ્થળનો આશરો લઈ ગોઠવાઈ ગયા છે. જ્યારે ભુજ દુધઈ વચ્ચેના ધોરીમાર્ગ વાહન ચાલકોને હેડલાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. એકજ સમયે ત્રણેય ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે.
હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર કચ્છના આકાશમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. ભુજ તથા આસપાસના આહીર પટ્ટીના ગામોમાં ક્યાંક કરા સાથે તો ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડી રહ્યાનું જાણવા મળ્યું છે. કરાના વરસાદથી લોકોએ તેના ફોટો સોશિયલ મીડિયા પર વહેતા કર્યા હતા. જ્યારે ઇશબગુલ , રાયડો અને જીરું સહિતના પાકને લઈ ખેડૂતો ભયની લાગણી અનુભવી રહ્યા છે.હાલ ભુજમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.