ભુજ શહેર પોલીસ મથકમાં લાંબા સમયથી પડેલી પેન્ડીંગ અરજીઓ ધડાધડ પોલીસ ચોપડે નોંધાતાં બે દિવસમાં છેતરપીંડીના 5 કિસ્સાઓ ફરિયાદ રૂપે નોંધાયા છે. જેમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં ફરજ બજાવતા મેડીકલ ઓફિસરને પણ ટુર પેકેજના નામે રૂપિયા 24,700નો ચુનો ચંદીગઢની કંપનીના બે અજાણ્યા શખ્સો ચોપડી ગયા છે.
શીવકૃપાનગરમાં રહેતા અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા નિરવ શંભુલાલ નંદાએ એ ડિવિઝન પોલીસ મથકે રોહિતગરી ઓમેન્દ્રગીર તેમજ યુનિયન બેન્ક ધારક નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. બનાવ ગત 22 નવેમ્બર 2021થી 24 નવેમ્બર 2021 દરમિયાન બન્યો હતો. ફરિયાદીને ફેમેલી સાથે ટુરમાં જવાનું હોઇ ઓનલાઇન સર્ચ કરતાં પંજાબના ચંદીગઢ સ્થિત હેપી ટુ હોલીડે નામની કંપનીની સાઇડ ખોલી ફરિયાદીએ પોતાનું નામ સરનામા સહિતની વિગતો મોકલાવી હતી.
દરમિયાન કંપની તરફથી કોઇ સિધ્ધાર્થ નામના વ્યક્તિનો ફરિયાદીને ફોન આવ્યો હતો. અને ટુર પેકેજ વિશેની માહિતી મોકલાવી હતી તેમજ હિમાચલ પ્રદેશ જવાનું જણાવીને છ દિવસ અને પાંચ રાત્રીના પેકેજમાં બે વ્યક્તિ રૂપિયા 24,700 ભરવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ ફોન પે મારફતે રૂપિયા ભરી દીધા હતા.
બાદ કંપનીના મેનેજરને કોરોના થયો છે. તેવા બહાનાઓ કાઢીને ટુર કેન્સલ થયેલ હોવાનું જણાવીને રૂપિયા 40 દિવસમાં રિફન્ડ મળી જશે તેમ કહીને મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો. જેથી તપાસ દરમિયાન સિધ્ધર્થ નામના ફોનધારકે ઉતરપ્રદેશના રોહિતગીરી ઓમેન્દ્રગીરીના નામે સિમકાર્ડ મારફતે ડોક્યુમેન્ટ મોકલાવ્યાનું સામે આવતાં ચંદીગઢની કંપની અને યુનિયન બેન્કધારક વિરૂધ છેતરપીંડીનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.
‘કંપનીના લક્કી મેમ્બર બન્યા છો’ તેવું કહી હોલીડે પેકેજની લાલચ આપીને માધાપરના યુવક પાસેથી 1.55 લાખ સેરવાયા
ભુજ રિજન્ટા હોટલમાં પ્રીવેરા કંપનીના બે અજાણ્યા શખ્સઓેએ માધાપરના યુવકને ડીનરની ઓફર આપી તમે કંપનીના લકકી મેમ્બર બન્યા છો, હોલીડે પેકેજની લોભામણી લાલચ આપી રૂપિયા 1 લાખ 55 હજાર પડાવી લઇ વિશ્વાસઘાત છેતરપીંડી કરી જતાં ફોજદારી ફરિયાદ નોંધાવાઇ છે. એ ડિવિઝન પોલીસ મથકે માધાપર વર્ઘમાનનગર સાઉથમાં રહેતા અને કેન્ટીનનો વ્યવસાય કરતા શ્રેણીક મિલનભાઈ જસાણીએ આરોપી અક્ષય, વિરાજ, ત્રિવેરા કંપનીના કસ્ટમર કેર નંબર અને મેનેજર હુસામ બારડ (ઓફિસ નંબર ૨૦૪, સના સ્કવેર નીયર રિજન્ડા હોટલ, સીજી રોડ અમદાવાદ) સામે ફરિયાદ નોંધાવી છે.
બનાવ ગત 25 મેના ભુજ એરપોર્ટ રોડ પર રિજન્ટા હોટલમાં બન્યો હતો. આરોપીઓએ ફરિયાદીને લકકી મેમ્બર બન્યો છો, તેમ કહીને પ્રિવેરા કંપનીની મેમ્બરશીપની માહિતી આપી કે, તમે કંપનીની મેમ્બરશીપ લેશો તો કંપની તરફથી ઈન્ડિયામાં અને ઈન્ડિયાની બહાર 70 નાઈટ તેમજ 80 દિવસનું ફાઈવ સ્ટાર હોટલમાં ફ્રી બુકિંગ વીથ બ્રેક ફાસ્ટ આપવામાં આવે છે.
દર વર્ષે એક દિવસ રિજન્ડા હોટલમાં બેંકવેટ હોલનું બુકિંગ ફ્રીમાં દિવસની કોમ્પલીમેન્ટ્રી ટ્રીપ કે જેમાં જમવાનું રહેવાનું,રહેવાનું તેમજ ફ્લાઇટની ટીકીટ ફ્રી આવશે તેવી લાભામણી વાતો કરીને વિશ્વાસમાં લઇને હોલીડે પેકેઝીંગની ઓફર આપીને ફરિયાદીના પિતા પાસેથી ક્રેડીટ કાર્ડ મારફતે 1 લાખ 55 હજાર લઇને કંપની તરફથી સર્વિસ આપવામાં આવશે તેમ કહી કોઇ પ્રકારની સર્વિસ કે રૂપિયા પરત ન આપતાં એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ હાથ ધરી છે.
ભીડનાકા પાસે રહેતી મહિલાને અજાણ્યા શખ્સે ફોન કરી કહ્યું, અમદાવાદમાં તમારૂ પાર્સલ ફસાયું છે ને દોઢ લાખની ઠગાઇ
ભુજના ભીડ નાકા બહાર રહેતી મહિલાને અજાણ્યા કોલરે અમદાવાદમાં તમારૂ પાર્સલ ફસાયું છે. છોડાવવા માટે બેન્ક ખાતાની ડિટેઇલ મેળવીને ઓનલાઇન રૂપિયા 1,49,800 જેટલી માતબર રકમ ઉપાડી લઇ છેતરપીંડી વિશ્વાસઘાત કરાતાં એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરૂધ ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ભીડનાકા બહાર નીમઢોળ શેરીમાં રહેતા મરીયમબેન હશનભાઇ લોટા (ઉ.વ.35)ને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ ગત 5 એપ્રિલ 2022ના સવારે અગ્યાર વાગ્યાના અરસામાં બન્યો હતો.
ફરિયાદીને અજાણ્યા શખ્સે ફોન કરીને તમારૂ પાર્સલ અમદાવાદમાં ફસાયું છે. છોડાવવા માટે તમારા બેન્ક એકાઉન્ટ નંબર અને ઓટીપી નંબર આપો તેમ જણાવ્યું હતું. ફરિયાદીએ પોતાના બેન્ક એકાઉન્ટ નંબર કે ઓટીપી નંબર આપ્યા ન હોવા છતાં આરોપીએ ફરિયાદીની જાણ બહાર તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 1 લાખ 49 હજાર 998 રૂપિયા ઉપાડી લીધા હતા. એ ડિવિઝન પોલીસે અજાણ્યા મોબાઇલધારક વિરૂધ છેપરપીંડી સહિતની કલમ તળે ગુનો નોંધીને આગળની તપાસ પીઆઇ કે.સી.પટેલે હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.