ભુજ-ગાંધીધામ વિસ્તારમાંથી બાઇક ચોરીને અંજામ આપતા ભુજના ત્રણ રીઢા ગુનેગારોને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોડકી રોડ પરથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ચોરાઉ બુલેટ અને બાઇક કબજે લઇ ભુજ અને ગાંધીધામની ત્રણ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે.
પ્રાપ્ત વિગતો મુજબ કોડકી રોડ પરથી શંકાસ્પદ ચોરાઉ બુલેટ અને મોટર સાયકલ લઇને આવી રહેલા રજબઅલી બરકતઅલી પઠાણ રહે સુરલભીટ રોડ, સોયબ સલીમ ઘાંચી રહે દાદુપીર રોડ, અને ઇરફાન કાદર બાફણ નામના ત્રણ શખ્સોને શંકાસ્પદ ચોરાઉ બે બાઇક સાથે પકડી પાડ્યા હતા. આરોપીઓની પુછતાછમાં ભુજ શહેર પોલીસ મથકે અને ગાંધીધામ પોલીસ મથકે નોંધાયેલ બે વાહન ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
ત્રણેય આરોપીઓને વધુ કાર્યવાહી માટે વાહનો સાથે ભુજ એ ડિવિઝન પોલીસ મથકને હવાલે કર્યા હતા. આરોપી રજબઅલી વિરૂધ બી ડિવિઝન પોસ્ટે ચોરી અને જુગાર સહિત 4 અને માનકુવા મુન્દ્રામાં કેસો નોંધાઇ ચુક્યા છે. જ્યારે આરોપી સોયબ ઘાંચી વિરૂધ મુન્દ્રા ખાતે ચોરી અને ઇરફાન વિરૂધ બી ડિવિઝન પોલીસ મથકમાં ચોરીના ગુના નોંધાયા છે. પોલીસે આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી છે.
LCB બાદ એ ડિવિઝન પોલીસે એક્ટિવા ચોરનાર કિશોરને પકડ્યો
એલસીબીએ બાઇકની ચોરીના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા બાદ એ ડિવિઝન પોલીસે હરકતમાં આવી હતી. અને બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ એક્ટિવાની ચોરીના કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને મુન્દ્રા રોડ પર રિલાયન્સ સર્કલ પાસેથી ચોરાઉ એક્ટિવા સાથે પકડી બી ડિવિઝન પોલીસની ચોરીનો ભેદ ઉકેલી લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.