શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો વેપલો વધી ગયો હોવાની ફરિયાદો છે ત્યારે 10 દિવસના ટૂંકાગાળામાં શેખપીરથી માધાપર સુધીના વિસ્તારમાંથી પોલીસે ત્રીજી વખત ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.અગાઉ 9 નવેમ્બરે એસઓજીએ 2.80 લાખના એમડી ડ્રગ્સ સાથે ભુજના 3 યુવાનોને ઝડપયા હતા.
જે બાદ ઓરિસ્સાથી ગાંજો લઈને આવેલા ધાવડાના 2 વ્યક્તિઓને પકડી લેવાયા હતા જે બાદ હવે શેખપીર ચેકપોસ્ટ પર કાર્યવાહી કરીને એમડી ડ્રગ્સ અને ચરસ લઈને આવેલા ભુજના 3 શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.આરોપીઓ પાસેથી રૂપિયા 96 હજારનું 96.1 ગ્રામ મારીજુઆના ચરસ અને રૂપિયા 7 હજારનું 0.7 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.
એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે શેખપીર ત્રણ રસ્તા પરથી ચરસ અને એમડી ડ્રગ્સ સાથે ભુજના મામદ ઉર્ફે નવાબ ગુલામહુશેન સુમરા,રહે. દાદુપીર રોડ,આસિફ કાસમ સમેજા,રહે. મેન્ટલ હોસ્પીટલની બાજુમાં અને દિનેશ લવકુમાર તિવારી,રહે.ભુજીયા તળેટી વાળા આરોપી ઝડપાયા હતા.
આરોપીઓ પાસે રહેલી સ્વીફ્ટ કાર GJ 12 FC 4700 ની તપાસ કરવામાં આવી પણ અંગઝડતીમાં જ રૂ.96 હજારનું 96.1 ગ્રામ ચરસ અને રૂપિયા 7 હજારનું 0.7 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.શેખપીર ચેકપોસ્ટ પર ચારેબાજુ બેરીકેડ લગાવવામાં આવ્યા હોઇ તે મહત્વપૂર્ણ સાબિત થયા હતા.
નાર્કોટીક્સના મુદ્દામાલ સાથે ઝડપાયેલ ભુજના ત્રણ ઈસમો વિરુધ્ધ એન.ડી.પી.એસ એક્ટ હેઠળ પધ્ધર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેની ક્રોસ તપાસ માધાપર પીએસઆઈ જે.ડી.સરવૈયાને સોંપવામાં આવી છે.આરોપીને આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ઝડપાયેલા ઈસમો પૈકી એકનો ગુનાહિત ઈતિહાસ
ચરસ અને એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા ભુજના ત્રણ શખ્સોમાંથી મામદ ઉર્ફે નવાબ ગુલામહુશેન સુમરા વિરુધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે હત્યાના પ્રયાસ તથા એલસીબીમાં આર્મ્સ એક્ટ અને બી ડીવીઝન પોલીસ મથકે સોનાની ચીટીંગ અને મારામારીના ગુનાઓ નોધાયેલા હોવાનું પોલીસે જાહેર કર્યું છે. જયારે અન્ય બે આરોપીઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી.
ડ્રગ્સની બદી ડામવા માટે ડ્રાઇવ અવિરત જારી રહેશે
યુવાનો નશાના રવાડે ચડે જેનાથી પરિવાર અને સમાજ બંને બરબાદ થાય છે,જેથી પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં ડ્રગ્સમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા પોલીસવડા સૌરભસિંઘ દ્વારા સૂચના આપવામાં આવી હોઈ આચારસંહિતા દરમ્યાન ભુજ વિસ્તારમાં 3 અને મુન્દ્રાના બારોઇમાં એક મળી કુલ 4 કેસ શોધવામાં આવ્યા છે.આ કિસ્સામાં આરોપીઓ મહેસાણાના સમીર પાસેથી ડ્રગ લઈ આવ્યા હતા,જેથી ત્યાં પણ તપાસ કરવામાં આવશે.ડ્રગની બદી ડામવા માટે ડ્રાઇવ અવિરત જારી રહેશે અને મૂળ સુધી પહોંચવામાં આવશે. > વી.વી.ભોલા,SOG પીઆઇ ભુજ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.