ભાદરવાના ભડાકા:અંજારમાં બે કલાકમાં ત્રણ ઇંચ, મુન્દ્રા સિવાયના તાલુકાઓમાં તોફાની ઝાપટાંથી લઇ દોઢ ઇંચ વરસ્યો

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તોફાની પવન સાથે વરસાદ વરસતાં વૃક્ષો ધરાશાયી, કેટલાક મકાન પરથી છાપરાં ઉડ્યાં, મંગળવાર સુધી કેટલાક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની વકી

શુક્રવારના રાત્રે ગાંધીધામમાં ઝાપટા સાથે કચ્છમાં ફરી પ્રવેશેલી મેઘસવારીએ બીજા દિવસે શનિવારે તોફાની રૂપ ધારણ કર્યું હતું. અંજારમાં મીનિ વાવાઝોડા સાથે બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો ગાંધીધામમાં પણ એક ઇંચ કરતાં વધુ પાણી પડ્યું હતું. ભુજ, ભચાઉ, રાપર, માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા પંથકમાં તોફાની એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

મુન્દ્રા વિસ્તાર કોરો રહ્યો હતો. વેગીલા વાયરાના કારણે કેટલાક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા તો મકાનો પરથી છાપરા ઉડવાના બનાવો બન્યા હતા. દરમિયાન મંગળવાર સુધી કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે.

અબડાસાના ગામોમાં એકથી દોઢ ઇંચ વરસાદ
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામા એક કલાકમા એક ઈચ વરસાદ પડતા માર્ગ પરથી પાણી વહી નીકળ્યા હતા. કોઠારા, વાંકુ, સિધોડી, ડુમરા, ધુફી, ઉસ્તીયા, વિઝાણ સહિતના ગામોમા એકથી દોઢ ઈચ વરસાદ વરસ્યો હતો.

પશ્ચિમ ભુજ પલળ્યું, પૂર્વ ભાગ કોરો ધાકોર : કમલાણી ફળિયામાં વીજળી પડતાં મકાનના પતરા તૂટ્યા

ભુજમાં પણ ભાદરવાના ભૂસાકા પડ્યા હતા. બપોર બાદ એકાએક માહોલ ગોરંભાયો હતો અને મીરજાપરથી શહેરના જ્યૂબિલી ગ્રાઉન્ડ સુધી અડધો ઇંચ જેટલું પાણી વરસ્યું હતું તો જ્યૂબિલી ગ્રાઉન્ડથી પૂર્વ તરફ આવતા આરટીઓ રિલોકેશન સાઇટ, હિલવ્યૂ, ઓધવ રેસિડેન્સી, સોનાલી પાર્ક અને માધાપર સહિતનો વિસ્તાર કોરો ધાકોર રહ્યો હતો. દરમિયાન ભીડ ગેટ પાસે કમલાણી ફળિયામાં એક મકાન પર વીજળી પડતાં પતરાં તૂટી ગયા હતા. ઘરમાં ઇલેક્ટ્રિક ઉપકરણોને નુક્સાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

નખત્રાણા તાલુકાનો નેત્રા વિસ્તાર ભીંજાયો

નખત્રાણા તાલુકાના નેત્રા ખાતે બપોરે અઢી વાગ્યાના અરસામા પવનના સુસવાટા સાથે ઝાપટુ પડતા બસ સ્ટેશન પાસે પાણી ભરાયા હતા. રામપર સરવા અને રવાપર પંથકમા વેગીલા વાયરા સાથે વરસ્યો હતો.

વરસાદ પડ્યો તો પણ ગરમીમાં રાહત નહીં
અડધાથી વધારે કચ્છમાં ભાદરવાના ભૂસાકા જેમ વરસાદ વરસ્યો હોવા છતાં ગરમીમાં કોઇ રાહત અનુભવાઇ ન હતી. કંડલા પોર્ટ 39.4 ડિગ્રી સાથે ફરી રાજ્યમાં મોખરાનું ગરમ મથક બન્યું હતું. ભુજમાં 37 તો કંડલા એરપોર્ટમાં 37.6 ડિગ્રી રહેતાં ગરમીનું જોર યથાવત્ રહ્યું હતું. નલિયામાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું હતું. કચ્છભરમાં ન્યૂનતમ સરેરાશ 27 ડિગ્રીથી વધુ રહ્યું હતું પરિણામે અગાઉ રાત્રે અનુભવાતી ઠંડક પણ ગાયબ જણાઇ હતી.

ખેતીને મોટો ફાયદો, નુક્સાન ઓછું
કચ્છમાં ભાદરવાના ભુસાકાના પગલે ખેતીમાં મોટા ભાગે ફાયદો થશે. મગફળી, ગુવાર, જુવાર, એરંડા જેવા પાકો ગરમીના કારણે સૂકાતા હતા તેવામાં કાચું સોનું વરસતાં જીવતદાન મળશે જ્યારે કપાસ અને તલના પાકમાં ફૂલ આવી જતાં નુક્સાન થવાની ભીતિ છે તેમ કિસાન સંઘના જિલ્લા મંત્રી ભીમજી કેરાસિયાએ જણાવ્યું હતું. અત્રે એ પણ નોંધવું રહ્યું જિલ્લાના અમુક પાણીના ભરાવા વાળા ખેતરોમાં હજુ સુધી વાવણી બાકી છે.

કકરવામાં તોફાની બેટિંગ, ચોબારીમાં વૃક્ષ જમીનદોસ્ત

ભચાઉ તાલુકાના કકરવા, કણખોઇ, ચોબારી, ખારોઇ, ભરૂડિયા, કુડા જામપરમાં બપોર બાદ અડધા કલાકમાં દોઢેક ઇંચ વરસાદ વરસ્યો હતો. ચોબારીમાં વૃક્ષો ધરાશાયી થયા હતા તો કેટલાક મકાનના છાપરા ઉડ્યા હતા. કિસાનોએ વરસાદને કાચા સોના સમાન ગણાવ્યો હતો. જંગીમાં રાત્રે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.

ગઢશીશાથી માંડવી માર્ગે વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર અવરોધાયો

માંડવી શહેરને બાદ કરતાં કોડાય, લાયજા, બાયઠ સહિતના ગામોમાં ગાજવીજ સાથે દોઢ ઇંચ પાણી વરસ્યું હતું. તોફાની પવન ફૂંકાતાં માંડવી-ગઢશીશા માર્ગે રતનપર પાટિયા પાસે વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર અવરોધાયો હતો. તાલુકા પંચાયતના વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજાએ સંબંધિત ખાતાને જાણ કરતાં અધિકારીએ જેસીબી આજે નહીં આવે તેવો ઉડાઉ જવાબ આપ્યો હોવનો આક્ષેપ તેમણે કર્યો હતો. સ્થાનિક ખેડૂતોએ હાથે લાગ્યું તે હથિયાર વાપરીને રસ્તા પરથી તોતિંગ વૃક્ષને હટાવ્યું હતું. કોડાય ગામના વથાણ ચોકમાં ઝાડ જમીનદોસ્ત થયું હતું.

ગાંધીધામમાં બે કલાક પવન સાથેના વરસાદથી જનજીવન રફેદફે: 25થી વધુ વૃક્ષો ધરાશાયી

​​​​​​​

ગાંધીધામ | ગાંધીધામમાં સવારથી બપોર સુધી સામાન્ય વાતાવરણ રહ્યા બાદ સાંજે બે કલાકમાં વાવાઝોડા, વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકેલા વરસાદે સામાન્ય જીવન રફે દફે કરી નાખ્યું હતું. વરસાદ અને વીજળીના કડાકા સાથે જ વીજળી ડૂલ થયા બાદ છેક રાત્રે વીજ પુરવઠો શરૂ થયો હતો જેને કારણે એક તરફ ભાદરવી ભૂસાકા બાદ અસહ્ય ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

શહેરમાં અનેક જગ્યાએ 25 થી વધુ વૃક્ષો ધરાશાહી થયા બાદ વીજ પુરવઠો લાંબા સમય માટે ખોરવાતાં લોકો લાંબા સમય સુધી અકળાયા હતા. વીજ તંત્ર દ્વારા આગોતરા કાર્યોમાં ઢીલ હોવાના કારણે જ અા મુશ્કેલી ઉભી થઇ હોવાનું રોષ સાથે નાગરિકોએ જણાવ્યું હતું. આદિપુરમાં મદનસિંહ સર્કલથી કોલેજ સર્કલ રોડ રીસર્ફેસિંગ માટે ખોડેલા ખાડામાં ધમાકેદાર વરસાદથી તેમાં પાણીથી ભરાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...