ચકચારી હનીટ્રેપ કેસમાં ગુરુવારે અમદાવાદથી વધુ બે આરોપીઓની એલસીબીએ ધરપકડ કર્યા બાદ બન્ને આરોપીઓને રીમાન્ડની માંગ સાથે શુક્રવારે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.જેમાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.બહુચર્ચિત હનીટ્રેપ કેસમાં મુખ્ય ભેજું ગણાતા જયંતી ઠક્કર અને તેની સાથે પકડાયેલા કુશલ ઠક્કરના ત્રણ દિવસના રિમાન્ડ બાદ વધુ વિગતો બહાર આવશે.આ કેસમાં કુલ આઠ લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે.જેમાંથી અત્યાર સુધી ચાર આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે.
આદિપુરના અનંત ઠક્કરે હનીટ્રેપ થયું હોવાની અરજી પોલીસને આપી હતી.જેના આધાર પુરાવાઓ જોઈ ભુજ બી ડીવીઝન પોલીસ મથકે આઠ લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી.એલસીબીને તપાસ સોપાયા બાદ વિનય રેલોન અને મહિલા આરોપી આશા ઘોરીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બનેલા હનીટ્રેપ કેસમાં એલસીબીએ મુખ્ય આરોપી જયંતી ઠક્કર અને કુશલ ઠક્કરની પણ ધરપકડ કરી શુક્રવારે રીમાન્ડની માંગ સાથે બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.કેસની ગંભીરતા જોઈ આરોપી મુખ્ય સૂત્રધાર મનાતો હોવાથી કોર્ટે બન્ને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
હનીટ્રેપ થયું હોય તો ચુપ ન રહો : પોલીસ
પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આદિપુરના ફરિયાદી અનંત ઠક્કર પર દબાણ લાવવા માટે આરોપીઓ દ્વારા તેના વિરુધ્ધ ગોવામાં બળાત્કાર અને માંડવીમાં દુષ્કર્મની અરજી કરવામાં આવી હોય તેવું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે.
ફરિયાદી અનંત ઠક્કર વિરુધ્ધ થયેલી બળાત્કાર સહિતની અરજીમાં પણ કોઈ દબાણને વશ થયા વગર તપાસ કરી બનાવ સાચો હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.વધુમાં તેમણે જિલ્લામાં હનીટ્રેપનો ભોગ બનેલા અન્ય લોકો પણ હોવાની શક્યતા દર્શાવી આવા ભોગગ્રસ્તો સામે આવે તેવી અપીલ કરી હતી.જો ફરિયાદ સાચી હશે તો પોલીસ ન્યાય અપાવશે તેવી બાયધરી તેમણે આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.