કચ્છમાં વરસાદના પગલે ચૌતરફ હરિયાળી છવાઈ જતા પશુઓ ઘાસચારો ચરવા સીમ વિસ્તારમાં જઈ રહ્યા છે. ત્યારે આજે શનિવારે અબડાસા તાલુકાના ચિયાસર ગામની સીમમાં ઘાસ ચરતા ઊંટના વંગ ઉપર કોઈ હિંસક પ્રાણીએ હુમલો કર્યો હતો. જેથી ત્રણ જેટલા ઊંટના ભારે ઈજાઓ પહોંચવાથી મૃત્યુ નિપજ્યા છે. હાલ બનાવની તપાસ અબડાસા વન વિભાગ દ્વારા હાથ ધરાઈ છે. જોકે, ઘાસના કારણે હિંસક પ્રાણીના પગલાં જમીનમાં જોવા ના મળતા ક્યાં પ્રાણી દ્વારા હુમલો થયો છે તે જાણી શકાયું નથી. અલબત્ત આ ઘટનાથી ગરીબ માલધારી પર આફત તૂટી પડી છે.
ક્યાં પ્રાણીએ હુમલો કર્યો તે જાણી શકાયું નથી
ઊંટના વંગ ઉપર દીપડો અથવા ઝરખ જેવા હિંસક પ્રાણી દ્વારા હુમલો થયાની આશંકા લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ વિશે નલિયાના કપિલ જોશીના જણાવ્યાં અનુસાર ઘટના ચિયાસર અને ખારુંવા ગામ વચ્ચેની સીમમાં બની હતી. સવારના અરસામાં કોઈ જાનવર દ્વારા ઊંટ ઉપર હુમલો થતા અંદાજિત રૂ. 40 હજારની કિંમતના ત્રણ ઊંટના મોત થતા માલધારીને સવા લાખ રૂપિયા જેવું નુકસાની સહન કરવી પડી છે. મરણ નિપજાવનાર પ્રાણી વિશે રેન્જ ફોરેસ્ટ ઓફિસર કનકસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, હાલ જમીનમાં ચારે તરફ ઊગી નીકળેલા ઘાસના કારણે પ્રાણીના પગલાંની છાપ જોવા મળી શકી નથી. તેથી ક્યાં પ્રાણી દ્વારા હુમલો થયો છે તે જાણી શકાયું નથી. પરંતુ આ માટે રાત્રી દરમિયાન વિશેષ વોચ રાખવાની સૂચના કર્મચારીઓને આપી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.