માંડવીની સરાફ બજારમાં વેપારી પાસેથી બાકી નીકળતા રૂપિયા છ હજારની ઉઘરાણી કરવા ગયેલા યુવકે ગાળા ગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ મથકે લેખિત ફરિયાદ કરાઇ છે. ફરિયાદ અરજીના આધારે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના કંસારા બજારમાં રહેતા અને વાસણનો વ્યવસાય કરતા વેપારી ભરતભાઇ લાલજીભાઇ કંસારાએ માંડવી પોલીસ ઇન્સ્પેકટરને સંબોધીને લેખિત ફરિયાદ આપી છે. જેમાં જણાવ્યું છે. કે, તેઓ તેમના વ્યવસાય સ્થાન પર હતા. ત્યારે સવારના અગ્યાર વાગ્યાના અરસામાં પુનિતભાઇ રાજગોર નામનો યુવક આવ્યો હતો. અને બાકી નીકળતા 6 હજારની ઉઘરાણી કરીને મોટા અવાજે ગાળા ગાળી કરીને જાહેરમાં અરજદારનું અપમાન કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પુનિત રાજકીય વગધરાવતો હોવાથી ભયના કારણે માંડવી પોલીસે તાત્કાલિક પગલા લેવાની માગણી સાથે ફરિયાદ અરજી કરી હતી. આ અંગે માંડવી પોલીસે જણાવ્યું હતું કે, ભરતભાઇએ ફરિયાદ અરજી કરી છે. ભરતભાઇનું નિવેદન લઇને આરોપીને પોલીસ મથકે બોલાવાયો છે. આરોપી પોલીસ મથકે આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. તો, સુત્રોમાંથી મળતી વિગતો મુજબ પુનિત રાજગોર યુવા ભાજપનો મહામંત્રી હોવાનું બહાર આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.