શિક્ષણરૂપી જાદુઇ લાકડી:આશાપરના આ શિક્ષકે શિક્ષણરૂપી જાદુઇ લાકડી ફેરવીને માત્ર બાળકોને જ નહીં, બુટલેગરોને પણ સુધારી દીધા છે...

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ-મારામારી સહિતના 18 કેસ નોંધાયેલા એ ધો. 10 પાસ, 36 વર્ષીય બુટલેગર આજે આખાની સંભાળ લઇ રહ્યા છે

નવીન જોશી
એક સમય હતો કે જ્યારે ગામમાં એક ડઝનથી વધુ બુટલેગરો હતા અને દેશી, રાજસ્થાન, દિલ્હીથી આવતા દારૂની ટ્રકો ઉતરતી. પોલીસ દારૂ પકડવા દરોડો પાડતી ત્યારે આખું ગામ એક હોય તે રીતે પોલીસ પાર્ટીપર પથ્થરમારો થતો અને શરાબની ટ્રકો ભગાડી જવાતી પણ જાણે શિક્ષણની જાદુઇ લાકડી ફરી વળી હોય તેમ આજે આખા ગામમાં શાંતિ છે. ખુદ ‘ભચિયો’ નામથી કુખ્યાત દારૂનો ધંધાર્થી હવે પસ્તાવાની પારાવાર પીડા બાદ સુધર્યો છે અને પોતાના કર્મો એવા તો બદલાવ્યા કે હવે ‘ભચુભા’ એવા માનવાચક શબ્દોથી સંબોધાય છે. આ બધુ થયું છે આબુ નજીકના પાલનપુરથી આવેલા બિપીનચંદ્ર નાથાલાલ મોદી નામના એક શિક્ષકના પારાવાર પ્રયાસોથી... ‘શિક્ષક કભી સામાન્ય નહીં હોતા’ કૌટિલ્યનું વાક્ય કચ્છના સરહદી લખપત તાલુકાના આશાપરા ગામમાં સિધ્ધ થયું છે... અને તેમાં ‘વાલિયા’માંથી ‘વાલ્મિકી’ બનેલા ભચુભા સોઢાની પણ મોટી ભૂમિકા છે.

1971માં ભારત-પાક યુધ્ધ બાદ જે સોઢા શરણાર્થી ભારત આવ્યા તેમને વસાવવા માતાનામઢ જાગીરે આશાપુરા માતાજીના નામ પરથી ‘આશાપર’ ગામ વસાવ્યું. માતાનામઢ જાગીરના અધ્યક્ષ કરમશી રાજાએ 1979માં માતાનામઢથી દક્ષિણે 17 કિ.મી. દૂર આશાપર ગામનું તોરણ બાંધ્યું પણ ગામ વસે એ પહેલા જ વ્યસનો આવ્યા અને નિર્જન-દુર્ગમ ક્ષેત્રનો ગેરલાભ ઉઠાવીને દેશી-વિદેશી દારૂનો વેપલો અહીં ખુલ્લેઆમ થવા મંડ્યો.

એટલું જ નહીં 700થી 750ની વસ્તીવાળા ટચુકડા અને કચ્છ ધણીયાણી માં આશાપુરાના નામ સાથે જોડાયેલા આ આશાપર ગામમાં બારથી પંદર મોટા બુટલેગરોએ લગભગ કબજો જ જમાવી લેતા પોલીસ પણ અંદર પ્રવેશતા ડરવા લાગી, એક વખત પોલીસ પાર્ટી પર ગામમાંથી એવો સજ્જડ હુમલો થયો હતો કે બાદમાં ‘પાસા’નું શસ્ત્ર ઉગામીને એ તત્વોને પાંજરે પુરવામાં આવ્યા હતા.

દારૂ તો અનેકવાર પકડાયો. આ ગામના દારૂના ધંધાર્થી ભચુભાને સૌપ્રથમ એક વડીલના માધ્યમથી સદબુદ્ધિ સુઝી તેમણે સૌપ્રથમ પોતે જ ધંધો બંધ કરી ખેતી શરૂ કરી અને સાથોસાથ સમજાવટ આદરી ‘વ્યસનમુક્તિ’નો રાગ આલાપ્યો. લખપત તાલુકાના જ કોરીયાણી ગામથી બદલીને આવેલા બિપીનચંદ્ર મોદી નામના શિક્ષકે વ્યસનો પર એક વધુ કુઠારાઘાત કરે તેવી સાચી શિક્ષણ સેવા આદરી અને ધીમે ધીમે બદલાવ આવ્યો, ધંધાર્થીઓએ ધંધા બદલ્યા, ગામમાંથી દારૂનું દૂષણ ગયૂં ભલે નહીં પણ ઘટી ગયું.

મહેનત રંગ લાવી| શિક્ષક અને સાથોસાથ સજ્જનતામાં પરિવર્તીત થયેલા ભુરૂભાના પ્રયાસોથી દશ વર્ષ ગામના કુલ મળીને 25 યુવાનો ભણી-ગણીને આર્મી, બી.એસ.એફ., બોર્ડર વિંગ, પોલીસ, એસ.આર.પી. અને ગાંધીનગર સચિવાલયમાં સેકશન અધિકારી સુધી પહોંચ્યા છે.

બુટલેગરની કેફિયત| પાકિસ્તાનથી આવેલા આ સોઢા શરણાર્થીઓને લખપત તાલુકાના ભાદરા ગામની સીમમાં પરિવાર દીઠ 10-10 એક ખેતીની જમીન આપી છે. દુકાળ અને તળમાં પાણી ન હોવાથી આવક જ બંધ થતા દારૂનો ધંધો શરૂ કર્યો હોવાની કેફિયત આપતા ખેડૂત ભચુભા થાનસિંહ સોઢા કહે છે કે શિક્ષકોની સેવા અને ગામના અગ્રણી રાણુભાની સલાહથી દારૂનો ધંધો છોડ્યો, બધા કેસ હવે પુરા થઇ ગયા છે, આજે હું સરકારની યોજનાઓનો ગામને વધુમાં વધુ લાભ મળે તે માટે સક્રીય છું. વિધવા સહાય, વય વંદના, શિષ્યવૃત્તિ, શિક્ષણમાં ખૂટતી કડીઓ બધા પર મારું ફોકસ રહે છે. ગામના જ ડઝનબંધ્ધ બુટલેગરોને પણ દારૂના ધંધાથી દૂર કરાવી શક્યો છું. ગામમાં શિવમંદિરનું પણ બાંધકામ સંભાળી રહ્યા છે. નવી પેઢીમાં મોદી સાહેબ જેવા શિક્ષકો પાકે તેવા અમારા પ્રયાસો છે.
ગામને વ્યસનમુક્ત બનાવવાનું પણ લક્ષ્ય
દશ વર્ષ કરતા પણ વધુ સમયથી કાર્યરત મુખ્ય આચાર્ય બિપીનચંદ્ર એન. મોદી ઉપરાંત હરેશકુમાર એચ. ચૌધરી, ગૌતમભાઇ બી. પ્રજાપતિ અને હેતલબેન પ્રજાપતિ એમ ચાર શિક્ષકોએ આ ગામને વ્યસન મુક્ત બનાવવાનું બીડું ઝડ્યું છે. મહેકમ પાંચનૂં છે એક ખૂટે છે.

વિદ્યાર્થી જ નહીં શિક્ષક પણ ગણવેશધારી

દસ વર્ષથી આશાપર પ્રાથમિક શાળામાં આવેલા આચાર્ય બિપીનચંદ્ર મોદી સહિતના શિક્ષકો પણ શાળામાં ગણવેશ પહેરીને આવે છે. અહીં દરેક વિદ્યાર્થીને ગણવેશ અને અન્ય ખર્ચની જરૂરિયાત માટે આ શિક્ષક જાતે સમગ્ર વિસ્તારમાંથી ફંડ ભેગું કરીને પૂરી કરે છે.

અન્ય સમાચારો પણ છે...