કચ્છનું વણાટકામ હવે આંતર રાષ્ટ્રીય ફલક પર:લિવા બ્રાન્ડ હેઠળ થશે સીધું વેંચાણ, કારીગરોને થશે ફાયદો

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિરલા ગ્રૂપ દ્વારા કચ્છના ઉચ્ચ-ગુણવત્તાનું ફેબ્રિક પસંદ કરાતા આર્થિક ઉન્નતિની આશા

કચ્છની હસ્તકળા જગ વિખ્યાત છે. જ્યારે પ્રવાસન ક્ષેત્રે કચ્છ લોકોના નજરે નહોતું ચડ્યું, ત્યારે પણ આ સરહદી જિલ્લાની મુલાકાતે આવનાર મોટાભાગનો પ્રવાસી વર્ગ હસ્તકળાને પસંદ કરનાર કે ખરીદનાર રહેતો. અહીંના વણકરનું વણાટકામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ ધરાવે છે. આ જ કારણથી આદિત્ય બિરલા ગ્રૂપના એક બ્રાન્ડ ‘લિવા’ માટે કચ્છના વણાટકામને પસંદ કરાયું છે. ન માત્ર પસંદ, પરંતુ તે હેન્ડલૂમ ઉત્પાદનો સીધા વણકર દ્વારા વેચવામાં આવશે. જેથી સીધો ફાયદો થશે.

કુદરતી પ્રક્રિયાથી બનતા ફાઇબરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા ઉચ્ચ-ગુણવત્તાનું ફેબ્રિક, જે પહેરનારને આરામદાયક અને સરળતા પ્રદાન કરે છે. LIVA બેડશીટ્સ, સ્ટોલ્સ, ડ્રેસ મટિરિયલ, કુર્તી અને સાડી જેવી આઈટમ બનાવે છે. હેન્ડલૂમ ઉદ્યોગની ભારતીય અને વૈશ્વિક બજારમાં મોટી માંગ છે, બિરલા સેલ્યુલોઝ હેન્ડલૂમ સેક્ટરમાં પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. આ અંગે કંપનીના પ્રોજેક્ટ હેડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભુજ તાલુકા અને અન્ય તાલુકાના વણકરો દ્વારા ઉત્પાદિત વસ્ત્રો ગુણવત્તામાં શ્રેષ્ઠ હોવાથી તેમને પસંદ કરાયા છે.

કારીગરોને સીધો ફાયદો થાય તે ઉદ્દેશથી વેંચાણ વ્યવસ્થા ગોઠવાશે. આ મિશન વિવિધ ક્લસ્ટરોમાં યાર્ન સપ્લાય, ડિઝાઇન અને લૂમ્સનું આધુનિકીકરણ, માર્કેટ કનેક્ટિવિટી અને ટેકનિકલ કૌશલ્ય અપગ્રેડેશનના મુદ્દાઓ સાથે વ્યવહાર કરવાના બહુવિધ અભિગમને અનુસરે છે. કચ્છના વણકરો ઉત્પાદન સાથે સુસંગત રહેવાનું વલણ ધરાવે છે જ્યારે સ્થાનિક હેન્ડલૂમ અસંગઠિત છે જેને એકત્રીકરણ કરી અને આર્થિક હિત સચવાય તે ઉદ્દેશ પ્રોજેક્ટની ડિઝાઇન કરાઈ છે. વણકરો આ તકનો ઉપયોગ કરશે અને બજારની માંગને સંતોષતા સતત ગુણાત્મક ઉત્પાદનોનું ઉત્પાદન કરશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.

લિવા હેઠળ બ્રાન્ડિંગ સાથે હેન્ડલૂમ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હેન્ડલૂમ ઉત્પાદનો સીધા વણકર દ્વારા વેચવામાં આવશે અને બિરલા સેલ્યુલોઝ તેને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. બિરલા સેલ્યુલોઝના આ પ્રોજેક્ટનું નેતૃત્વ પ્રિયંકા પ્રિયદર્શિની કરી રહી છે.

કચ્છ પ્રદેશમાં આ પહેલ કચ્છ વીવર્સ એસોસિએશન, ઈન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા–અમદાવાદ (HMI પ્રોજેક્ટ) અને ખમીર સાથે મળીને અમલમાં મૂકવામાં આવશે. કાર્યક્રમમાં કચ્છ વણકર એસોસિએશનના પ્રમુખ મેઘજીભાઈ, હસ્તકળા વિકાસ અધિકારી રવીવીર ચૌધરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કે.પી.ડેર, નાબાર્ડના અધિકારી બ્રિજેશ દવે, આદિત્ય બિરલા ગ્રુપના કિરણ પંડ્યા, હસ્તકળા ક્ષેત્રે સમર્પિત પંકજભાઈ શાહ વગેરે વિષયોચ્ચિત સંબોધન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...