નિયમોનો ભંગ કરાયાની નોંધ:શિક્ષણ ઉપકરની રકમમાંથી સર્વ શિક્ષા અભિયાનને કામ સોંપાતા વાંધો નીકળ્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીએ 3.25 કરોડ રૂપિયાના ખર્ચની પૂર્તતા માંગી
  • જિલ્લા પંચાયતની બાંધકામ શાખાને ન સોંપી નિયમોનો ભંગ કરાયાની નોંધ

કચ્છ જિલ્લાની ભુજ સહિતની નગરપાલિકાઅો દ્વારા શિક્ષણ ઉપકર ઉઘરાવાય છે. જે રકમ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં જમા થાય છે, જેમાંથી જિલ્લા પંચાયતને 65 ટકા જેટલી રકમ મૂડી ખર્ચ તરીકે વાપરવા પરત મળે છે. પરંતુ, જિલ્લા પંચાયતે તેની બાંધકામ શાખાને બદલે સર્વ શિક્ષા અભિયાનને ખર્ચવા સોંપી દીધી હતી. જેને સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે નિયમ વિરુદ્ધ ગણાવી છે અને 3.25 કરોડ રૂપિયાના ખર્ચમાં પૂર્તતા માંગી હતી.

સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે હિસાબી વર્ષ 2017/18નું જિલ્લા પંચાયત કચેરીનું અન્વેષણ કર્યું હતું, જેમાં જણાવાયું હતું કે, નગરપાલિકા દ્વારા લેવામાં અાવતા શિક્ષણ ઉપકરની રકમ જમા કરાવવાની રહે છે. અે રકમમાંથી જિલ્લા પંચાયતને 65 ટકા રકમ સહાયક ગ્રાન્ટ તરીકે અાપી દેવાય છે. જોકે, અે રકમ મેળવવા માટે જિલ્લા પંચાયતે સમયસર કલેકટરને દરખાસ્ત કરવી પડે. જિલ્લા પંચાયતે 7મી ફેબ્રુઅારી 2017ની સામાન્ય સભામાં શિક્ષણ ઉપકરની જમા રકમમાંથી 5 કરોડ રૂપિયા શહેરી વિસ્તારની પ્રાથમિક શાળામાં કેપીટલ ખર્ચ કરવા મંજુરી અાપી હતી.

જેના અમલીકરણ માટે ડીપીઈઅોને નિયુક્ત કરાયા હતા. જેમણે કચ્છ જિલ્લાના ભચાઉ, રાપર, ભુજ, માંડવી અને ગાંધીધામની 64 પ્રાથમિક શાળાઅોમાં રૂમ રિપેરિંગ, પેવર બ્લોક, શેડ, વોટર ટેન્ક અને કમ્પાઉન્ડ વોલના કામ માટે રૂપિયા 3 કરોડ 25 લાખ 5100નો અંદાજ તૈયાર કર્યો હતો.

પરંતુ, નિયમ મુજબ જિલ્લા પંચાયતની બાંધકામ શાખાને બદલે સર્વ શિક્ષા અભિયાને કામ સુપરત કર્યું હતું, જેમાં અેસ.અેસ.અે.ના ડિસ્ટ્રીક્ટ પ્રોજેકટ અેન્જિનિયર દ્વારા તાંત્રિક મંજુરી અાપવામાં અાવી હતી. જોકે, વહીવટી મંજુરી 3 કરોડ 37 લાખ 6 હજાર 477 રૂપિયાની અપાઈ હતી. જેની નિવિદામાં પણ પૂર્તતા કરવાની રહે છે. સૂત્રોઅે જણાવ્યું છે કે, પૂર્તતા થઈ નથી. અમાન્ય ઠરી છે.

અન્ય સમાચારો પણ છે...