વિષમ વાતાવરણ:કચ્છમાં આગામી 4 દિવસમાં ઠંડીની ધાર તેજ બને તેવી શક્યતા નહિવત

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાપમાનનો પારો આશિક નીચે સરક્યો છતાં વિષમ વાતાવરણ જારી

કચ્છમાં હજુ અાગામી 4 દિવસ દરમ્યાન ઠંડીની ધાર તેજ બને તેવી કોઇ શક્યતા જણાતી નથી અને રવિવારે તાપમાનનો પારો અાંશિક નીચે સરક્યો હોવા છતાં પણ વાતાવરણીય વિષમતા યથાવત રહી છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનાથી શિયાળાની પકડ મજબૂત બની જતી હોય છે અને જાન્યુઅારી સુધી કડકડતી ઠંડી પડતી હોય છે પરંતુ અા વખતે નવેમ્બર મહિનાના હવે માત્ર 10 જ દિવસ બાકી રહ્યા છે છતાં પણ જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળતો નથી. રવિવારે તાપમાનનો પારો અાંશિક ગગડ્યો હતો અને જિલ્લામાં મહત્તમ તાપમાન 32.0 ડિગ્રીથી 33.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રીથી 18.9 ડિગ્રી રહ્યું હતું.

અધિકત્તમ અને ન્યૂનત્તમ તાપમાનમાં અનુક્રમે કંડલા અેરપોર્ટમાં 32.3 ડિગ્રી, 15.8 ડિગ્રી, નલિયા 32.0 ડિગ્રી, 16.4 ડિગ્રી, કંડલા પોર્ટમાં 32.9 ડિગ્રી, 18.6 ડિગ્રી અને ભુજમાં 33.9 ડિગ્રી, 18.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જિલ્લામાં વાતાવરણીય વિષમતા યથાવત છે અને દિવસે તાપમાન ઉંચું રહેવાની સાથે રાત્રે ફૂલ ગુલાબી ઠંડી અનુભવાય છે. રવિવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો પારો અાંશિક ગગડ્યો હોવા છતાં પણ હવામાન વિભાગે હજુ અાગામી 4 દિવસ દરમ્યાન ન્યૂનત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફારની શક્યતા નકારી છે અેટલે કે, હજુ 4 દિવસ દરમ્યાન કચ્છમાં ઠાર ડંખીલો બને તેવી શક્યતા નહિવત છે.

દયાપર પંથકમાં ધુમ્મસનું ગાઢ અાવરણ
જિલ્લામાં રાત્રે ઝાકળભર્યા વાતાવરણ વચ્ચે ઠંડક રહે છે અને શનિવારની રાત્રિથી લઇને રવિવારના સવારે અંદાજે 11 વાગ્યા સુધી લખપત તાલુકાના દયાપર પંથકમાં ગાઢ ધુમ્મસનું અાવરણ રહ્યું હતું, જેના કારણે વાહન ચાલકોને રવિવારના બપોરે 12 વાગ્યા સુધી લાઇટો ચાલુ રાખીને વાહન ચલાવવા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...