યુરિયા ખાતરની અછત:રવિપાકની વાવણી ટાંકણે જ કચ્છમાં યુરિયા ખાતરની મોટાપાયે થઇ અછત

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ સવારે ખાતર આવે ને સાંજે જથ્થો પૂરો થઈ જાય તેવી સર્જાઇ સ્થિતિ
  • છેલ્લા પખવાડિયાથી સંબંધિત ગોદામોમાં માલ મળતો જ નથી

હાલમાં ઠંડીના ચમકારા વચ્ચે ખેડૂતો દ્વારા રવિપાકની વાવણી શરૂ કરી દેવામાં આવી છે પણ પાકની વૃદ્ધિ માટે જરૂરી યુરિયા ખાતરનો જથ્થો જિલ્લામાં ખૂટી પડતા ખેડૂતોને હાલાકી થઈ રહી છે.પરિસ્થિતિ એવી છે કે,સવારે માલ આવે અને સાંજે સ્ટોક પુરો થઈ જાય છે.જેથી વધુ જથ્થો ફાળવવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે.

દિવાળી પહેલા રવી પાકનું વાવેતર શરૂ થઈ જાય છે.અગાઉ ડીએપી ખાતરની અછતને કારણે ખેડૂતોને રવી પાકના વાવેતરમાં મુશ્કેલી થઈ અને હવે યુરિયા ખાતરની ઘટની સમસ્યા સામે આવી છે.જેના કારણે જીરું,વરિયાળી,ધાણા જેવા શિયાળુ પાકના વાવેતરમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.ખેડૂતોએ માહિતી આપતા જણાવ્યું કે,છેલ્લા 15 દિવસથી ખાતર ડિલરો પાસે યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે.પીઓએસ મશીનમાં સ્ટોક બતાવવામાં આવે છે પણ મેન્યુઅલ ગોડાઉનમાં માલ નથી.વાવણી થઈ જાય પછી પાકની વૃદ્ધિ માટે યુરિયા ખાતર ખૂબ જરૂરી છે પણ સ્ટોક ન હોવાથી પાકને નુકશાની થવાનો ખતરો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તેમજ એકતરફ સરકાર ખેડૂતોને વિવિધ યોજનાઓ દ્વારા સદ્ધર બનાવવા પ્રયાસો કરી રહી છે ત્યારે પાકના વાવેતર સમયે પાયાના ખાતરની અછત ઊભી થતા આર્થિક ફટકો પડયો છે.ઉલ્લેખનીય છે કે,છેલ્લા ઘણા વર્ષોથી રવીપાકના વાવેતર સમયે જ ખાતર માટે ખેડૂતોને દર દર ભટકવું પડે છે.જેના કારણે પાકનું વાવેતર સમયસર કરી શકાતું નથી.

10 દિવસ પછી રાજકોટમાં રેક આવશે આ બાબતે નિગમમાં તપાસ કરતા જાણવા મળ્યું કે,હાલમાં સ્ટોકની કમી છે અને આગામી 25-26 તારીખે રાજકોટમાં રેક આવશે જેથી ત્યારે બાય રોડ ભુજમાં ખાતર આવતા માલનું વિતરણ શરૂ કરી દેવાશે.હાલમાં ખેડૂતો તરફથી માંગ વધી ગઈ છે જેથી યુરિયા ખાતરનો જથ્થો સવારે આવે અને સાંજે પૂર્ણ થઈ જાય તેવી સ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...