તસ્કરો બેફામ:અબડાસાના નલિયામાં 3 દુકાનમાંથી 50 હજારની ચોરી મંદિરમાંથી દાનપેટીને પણ ન છોડી

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનોમાંથી સામુહિક ચોરીની ઘટના બનતા લોકોની ભીડ એકત્ર થઈ
  • આ અંગે ફરિયાદ નોંધાવની તાજવીજ પોલીસ દ્વારા હાથ ધરાઇ

અબડાસા તાલુકાના વડામથક નલિયા ખાતે ગત રાત્રી દરમિયાન તસ્કરોએ સામુહિક આક્રમણ કરી ત્રણ દુકાનોના છતના પતરા ખસેડી છપ્પારફાળ તસ્કરી કરીને રૂ. 30થી 35 હજાર રોકડા અને 15થી 20 હજારની સામગ્રીની ચોરી કરી જવાયાની ઘટના બનવા પામી છે. દુકાનો સાથે નજીકના ખેતરપાળ દાદાના મંદિરમાં રહેલી દાનપેટીમાંથી પણ રૂ. 2500 જેટલી રોકડ તફડાવી ગયાનું જાણવા મળ્યું છે. આ અંગે ફરિયાદ નોંધાવની તજવીજ હાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

નલિયા બસ મથક સામેના ટેક્ષી સ્ટેન્ડ પાસે આવેલી દુકાનોમાંથી સામુહિક ચોરીની ઘટના બનતા લોકોની ભીડ એકત્ર થઈ જવા પામી હતી. શહેર વેપારી મંડળના પ્રમુખ હકુમતસિંહ જાડેજા સહિતના વેપારીઓએ ચોરીની ફરિયાફ નોંધાવવા પોલીસ મથકે પહોંચ્યા હોવાનું રમેશ ભાનુશાળીએ જણાવ્યું હતું.

ગામની મુખ્ય બજારમાં આવેલી ત્રણ દુકાન પૈકી રાજ મેડિકલમાં રોકડા રૂ. 4800 અને રૂ. 2500ની સામગ્રીની ચોરી થઈ છે. તો ન્યુ ભાનું મોબાઈલમાંથી રોકડા રૂ. 8 હજાર અને સ્પીકર રૂ 500 એને વિવિધ સામગ્રી, તેમજ મારુતિ સ્વીટમાંથી રોકડા રૂ. 23 હજાર અને 2 કિલો મોરાકાજુ અને 4 કિલો અખરોટની ચોરી થઈ હોવાનું કપીલ જોશીએ જણાવ્યું હતું.

નલિયા પોલીસે શકદારોને બોલાવી છાનબીન શરૂ કરી
નલિયા પોલીસ મથકના પીએસઆઇ વી.આર.ઉલવાએ જણાવ્યું હતું કે, ચોરીની ઘટના જે વિસ્તારોમાં બની છે તે વિસ્તારમાં મોબાઇલ ટાવરના ડમ્પ મંગાવીને તસ્કરોનું પગેરૂ જાણવા સહિતની તપાસ તેમજ બેથી ત્રણ શકાદારોને બોલાવી પુછપરછ કરાઇ રહી છે. ચોરીનો ગુનો તાકિદે ઉકેલાઇ જશે તેવી આશા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...