મુંબઈ એટીએસની કાર્યવાહી:એમડી ડ્રગ્સ લઇ આવે તે પહેલાં જ ભુજનો યુવક મુંબઇમાં ઝડપાયો

ભુજ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કસ્તુરબા પોલીસમાં ફરિયાદ શહેરમાં મેફેડ્રોન ડ્રગનો વધી રહેલો વેપલો ચિંતાજનક

છેલ્લા કેટલાક સમયથી ભુજમાં એમડી ડ્રગ્સનું વેચાણ અને સેવનની પ્રવૃતિ વધી ગઈ છે. તાજેતરમાં આચારસંહિતાના દિવસોમાં જ શેખપીર અને માધાપર હાઇવે પરથી ભુજ એસઓજીએ એમડી ડ્રગ્સ સાથે 6 ઇસમોને ઝડપી લીધા હતા ત્યારે હવે ભુજનો શખ્સ મુંબઇથી એમડી ડ્રગ્સ લઈને ભુજ આવતો હતો ત્યારે જ મુંબઇમાં એટીએસના હાથે ઝડપાઇ ગયો હોવાની હકીકતો સામે આવી છે.

મુંબઈ એટીએસના પોલીસ કર્મચારી વિશ્વભર યજ્ઞેશ્વર બાંદિવડેકરે મહારાષ્ટ્રના કસ્તુરબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે,એટીએસને બાતમી મળી હતી કે રેલવે સ્ટેશન બહાર રીક્ષા સ્ટેન્ડ પર ગુલાબી કલરનો ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ પહેરેલા યુવક પાસે એમડી ડ્રગ્સનો જથ્થો છે.

જેથી બાતમીના આધારે દરોડો પાડીને રાત્રે બે વાગ્યે ઈમરાન ઉર્ફે રોયલ અબ્દુલ અરબ (રહે. સંજોગ નગર મોટાપીર રોડ, ભુજ)વાળાને ઝડપી લેવાયો હતો.જેની પાસેથી 19.6 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા મોબાઈલ અને રોકડ કબ્જે કરાઈ હતી. કસ્તુરબા પોલીસ મથકે તેની સામે એનડીપીએસની કલમો તળે ગુનો દાખલ કરી અગાઉ તે કેટલી ખેપ મારી ગયો એ દિશામાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

શેખપીર એમડી કેસમાં મહેસાણાનો શખ્સ ફરાર,શોધખોળ શરૂ કરાઇ
ભુજ એસઓજીની ટીમે ચેકપોસ્ટ પાસે બાતમીના આધારે ગાડી રોકાવીને ભુજના ત્રણ શખ્સોની અંગઝડતી કરતા તેમના કબજામાંથી 96.1 ગ્રામ ચરસ અને 0.7 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું એમડી ડ્રગ્સ ભુજની ત્રિપુટીએ મહેસાણાના સમીર પાસેથી લીધું હોવાની કબૂલાત આપતા તમામ આરોપીઓ સામે પદ્ધર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ત્રણેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પાલારા જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે જ્યારે તપાસમાં આરોપીનું પૂરું નામ સમીર શેતા હોવાનું અને તેની અન્ય હકીકતો પણ પોલીસને મળતા એક ટુકડી તપાસ માટે મહેસાણા ગઈ હતી. જોકે, આરોપીને ભનક લાગી જતા તે નાસી છૂટ્યો હતો.જેથી હાલ તેની શોધખોળ માટે વિવિધ ટીમો દ્વારા કવાયત આરંભી દેવામાં આવી છે મહેસાણા એસઓજીની ટીમ પણ સહયોગી બની હતી.

ઓરિસ્સાવાસી પાલારા જેલમાં
માધાપર હાઇવે પરથી એસઓજીની ટીમે ધાવડાના બે શખ્સોને ગાંજા સાથે ઝડપ્યા હતા. આ માલ ઓરિસ્સાથી લાવ્યા હોવાની કબુલાત આપતા પધ્ધર પોલીસે 3600 કિલોમીટરનો પ્રવાસ ખેડીને આરોપી હરીબંધુદાસ મકરધ્વજદાસને ઝડપી લીધો હતો. જેને કોર્ટમાં રજૂ કરતા સોમવાર સુધીના રિમાન્ડ મળ્યા હતા. જે પૂર્ણ થતા કોર્ટના આદેશથી આરોપીને પાલારા જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું પીએસઆઈ વનરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...