જૂની પેન્શન યોજના મુદ્દે આંદોલન:ભુજના બહુમાળી ભવન ખાતે સરકારી કચેરીઓમાં આજે બપોર પછી કામગીરી ઠપ્પ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કર્મચારીઓ અડધો દિવસ સી.એલ. મૂકી હમીરસર કાંઠેથી વિશાળ રેલીમાં જોડાશે
  • જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણી લાંબા સમયથી ન સંતોષાતા ઉઠતો વિરોધ

ભુજ શહેરમાં બહુમાળી ભવન ખાતે તાજેતરમાં કચ્છ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાની બેઠક મળી હતી, જેમાં ભુજ શહેરમાં શનિવારે જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીઓ ન સંતોષાતા બપોર પછી એક સામટા સી.એલ. રજા રિપોર્ટ મૂકવા અને બપોરે 3 વાગ્યાથી હમીરસર કાંઠે એકઠા થઈ રેલી સ્વરૂપે કલેકટરને આવેદન પત્ર આપવા નક્કી થયું હતું, જેથી આજે સરકારી કચેરીઓમાં કામગીરી ઠપ્પ થઈ જવાની છે.

આગેવાનોએ જિલ્લા કક્ષાએ રેલીના આયોજનની રણનીતિ ઘડી
પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાની બેઠકમાં વિવિધ 19 ઉપરાંત સરકારી કર્મચારીઓના મંડળોના હોદ્દેદારોએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા અપાયેલા આંદોલનના કાર્યક્રમ અનુસંધાને કર્મચારી આગેવાનોએ જિલ્લા કક્ષાએ રેલીના આયોજનની રણનીતિ ઘડી કાઢી હતી, જેમાં શનિવારે બપોરે 3 વાગ્યા બાદ એકસાથે સી.એલ. રિપોર્ટ મૂકવા અને ભુજ શહેરના હમીરસર કાંઠે એકઠા થવા આદેશ કરાયો હતો.

પંચાયતના ત્રીજા અને ચોથા વર્ગના મંડળે આદેશ જાહેર કર્યો
રાજ્ય સંગઠન કર્મચારી મોરચા અને રાજય પંચાયત કર્મચારી મહામંડળ ગાંધીનગરના આદેશ અન્વયે કચ્છ પંચાયતના ત્રીજા વર્ગના કર્મચારી મંડળ અને ચોથા વર્ગના કર્મચારી મંડળે જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા 7મા પગાર પંચના બાકી લાભોની માંગણી સબબ આંદોલનમાં જોડાશે. જિલ્લા પંચાયત વર્ગ-3/4 અને સુપર વાઈઝર સહીતના કર્મચારીઓ રેલીમાં ભાગ લેશે. વર્ગ 3 ના પ્રમુખ વિજય ગોર, મંત્રી અજયસિંહ જાડેજા, ઉપ પ્રમુખ વિજય સુંદરા, દક્ષાબા રાણા, મીનાબેન ગોર, કમળાબેન રાઠોડ, કુન્દાબેન ગોર, નયનાબા જાડેજા અને વર્ગ 4ના પ્રમુખ બીપીન ગોર, પરિતોષ જોષી, વીણાબેન ઢાલવાણી દ્વારા આ રેલીને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે. જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતના વર્ગ 3/4 ના કર્મચારીઓ આ રેલી માં ભાગ લેશે તેવું મંડળ દ્વારા જણાવવાં આવ્યું છે.

રવિવારે કેજરિવાલ સાથે બેઠક ઉપર સૌની મીટ
સૂત્રોએ જણાવ્યું હતું કે, 4થી સપ્ટેમ્બર રવિવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ રવિવારે ગાંધીનગર આવવાના છે. જેઓ ગુજરાત રાજ્યના વિવિધ સરકારી કર્મચારીઓના મંડળો સાથે બેઠક યોજવાના છે. એ બેઠક બાદ કર્મચારી મંડળો શું નીતિ અપનાવે છે. એના ઉપર સૌથી મીટ મંડાયેલી છે. કેમ કે, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરિવાલે ગુજરાત રાજ્યમાં તેમની સરકાર આવે તો કર્મચારી મંડળોની પડતર માંગણી સંતોષવા હૈયાધારણ આપી છે. બીજી તરફ ભાજપ સરકારે 27 વર્ષથી ઉકેલ લાવ્યો નથી, જેથી કર્મચારી મંડળો સખત નારાજ છે.

નગરપાલિકાઓ પણ જોડાય તેવી શક્યતા
પ્રાપ્ત વિગતો મુજબ નગરપાલિકાના કર્મચારી મંડળો પણ રાત સુધીમાં આંદોલનમાં સામેલ થાય અેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, એ માટે ચર્ચા ચાલી રહી છે. જોકે, હજુ નિર્ણય લેવાયો નથી. પરંતુ, મોડી રાત પાછી સવાર સુધીમાં મોબાઈલથી મેસેજ વહેતા થાય એવી અટકળો પણ થઈ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...