સફેદ રણમાં વરસાદી પાણી:ધોરડોનું સફેદ રણ હજુએ ઘૂઘવતો સાગર નવેમ્બરના અંતમાં પાણી સુકાય તેવી શક્યતા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નમકાચ્છાદિત અફાટ રણ જોવા આવતા સહેલાણીઓ થોભો હજુ ભરાયેલા છે વરસાદી પાણી

ધોરડો સફેદ રણ જોવા અાવતા સહેલાણીઅો હજુ રાહ જોજો કેમ કે, જિલ્લામાં ભારે વરસાદ બાદ હજુપણ સફેદ રણમાં વરસાદી પાણી સુકાયા નથી અને નમકાચ્છાદિત અફાટ સફેદ રણ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં સુકાય તેવી શક્યતા સેવાઇ રહી છે તેમ છતાં પણ તા.26-10, બુધવારથી જ રણમાં તંબુનગરી શરૂ થઇ ગઇ છે અને હસ્તકળા સહિત ખાણીપીણીની દુકાનો પણ ઉભી કરી દેવાઇ છે.વૈશ્વિક ફલક પર ચમકેલા ધોરડો સફેદમાં દર વર્ષે નવેમ્બર મહિનાથી રણોત્સવનો પ્રારંભ થતો હોય છે અને અફાટ સફેદ રણ જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઅો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.

જો કે, અા વખતે રણ જોવા અાવતા પ્રવાસીઅોને હજુ રાહ જોવી પડશે કેમ કે, ચોમાસામાં કચ્છમાં પડેલા ભારે વરસાદના પગલે હજુ પણ રણમાં પાણી ભરાયેલા છે. અધુરામાં પૂરું પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ પડેલા ધોધમાર વરસાદના પાણી કચ્છના રણમાં અાવ્યા હતા, જેના પગલે રણ હજુ ઘુઘવતા સાગરની જેમ હિલોળા લે છે. ધોરડો સફેદ રણમાં તા.26-10થી 350 ટેન્ટ સાથેની તંબુનગરી શરૂ કરી દેવાઇ છે અને તેની અંદર કચ્છની કલાકારીને લગતી વિવિધ વસ્તુઅોની દુકાનો તેમજ ખાણીપીણીની દુકાનો ઉભી કરવામાં અાવી છે.

ભુજના મદદનીશ કલેક્ટર અતિરાગ ચપલોતનો સંપર્ક સાધતા તેમણે પણ જણાવ્યું હતું કે, સફેદ રણમાં હજુ પાણી ભરાયેલા છે, જે હજુ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં સુકાય તેવી શક્યતા છે. ધોરડોના સરપંચ મિયાહુસેનભાઇઅે પણ જણાવ્યું હતું કે, રણમાં પાણી સુકાતા હજુ 15થી 20 દિવસ લાગશે, જેથી રણ નિહાળવા માટે અાવતા સહેલાણીઅોને રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...