આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉમકળાભેર પ્રારંભ થયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા સહિત મહાનુભાવોએ વિવિધ દેશમાંથી આવેલા કાઈટિસ્ટોને મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેકટર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, આજે વિવિધ દેશ સહિત ભારતીય પતંગબાજો અહીં પધાર્યા છે. તેઓએ સૌને શુભેચ્છાઓ પાઠવીને કચ્છના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા સૌને અનુરોધ કર્યો હતો.
આ પતંગોત્સવ દરમિયાન ઈન્ડોનેશિયા, ઈઝરાયલ, લેબનાન, લિથુઆનિયા, મલેશિયા, મોરેશિયસ, મેક્સિકો, મોરોક્કો, નેપાલ, નેધરલેન્ડ, બોના એર, ઓસ્ટેશિયસ, પોલેન્ડ, પોર્ટૂગલ, સાઉથ આફ્રિકા તેમજ સ્લોવેનિયન કાઈટિસ્ટોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી. આ ઉપરાંત ભારતમાંથી રાજસ્થાન, સિક્કીમ, મધ્યપ્રદેશ, તેલંગાણા, પંજાબ, ઓડિશા, કર્ણાટક અને ગુજરાતના કાઈટિસ્ટોએ પણ પોતાની અનેરી ડિઝાઈન સાથેની પતંગો ઉડાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ નિમિત્તે કલેકટર સહિત મહાનુભાવોએ જાડા ધાન્યમાંથી તૈયાર કરેલી વાનગીઓના સ્ટોલની મુલાકાત લીધી હતી. ઉપરાંત, રોજગાર ઉપલબ્ધ થાય તે માટે કેટરીંગની વ્યવસ્થા સખી મંડળની બહેનોએ સંભાળી હતી.
આ પતંગોત્સવ શુભારંભ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલ, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, અંજાર નગરપાલિકા પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, જિલ્લા પંચાયત સદસ્ય ગંગાબેન સેંઘાણી, મનિષાબેન વેલાણી, અગ્રણી સર્વ ફકીરમામદ રાયસિંહ, અમીરઅલી મુતવા, સરપંચ મિયા હુસેન, મદદનીશ કલેકટર અતિરાગ ચપલોત, ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટ, નિરવ પટ્ટણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.