ભુજ નગરપાલિકામાં બે ત્રણ સામાન્ય સભાઅો મળી નથી. પરંતુ, હવે અંદાજપત્ર રજુ કરવા માટે હોળાષ્ટક પછી મુહૂર્ત નીકળ્યું છે. જોકે, તારીખ હજુ પણ નક્કી થઈ નથી. પરંતુ, જિલ્લા પંચાયતમાં 16મી માર્ચના અાવક જાવકના અંદાજ રજુ કરવામાં અાવશે. જે માટે દિવસ રાત શાખા અધ્યક્ષકો ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઅોની દોડધામ ચાલી રહી છે.
ભુજ નગરપાલિકા ત્રિમાસિક હિસાબો રજુ કરતી બે ત્રણ સામાન્ય સભા બોલાવવામાં નિષ્ફળ ગઈ છે. પરંતુ, અેપ્રિલ મહિના પહેલા હિસાબી વર્ષ 2023/24નું અંદાજપત્ર રજુ કરવા છેલ્લા અેક દોઢ માસથી ચાલતી મથામણ બાદ હવે હોળાષ્ક પછી મૂહુર્ત કાઢવા નક્કી થયું છે.
બીજી તરફ જિલ્લા પંચાયત દ્વારા અંદાજપત્રના અાવક જાવકના નવડા મળાવવા માટે પદાધિકારીઅો શાખા અધ્યક્ષકો સાથે ઉઠબેસ કરી રહ્યા છે. જેની વચ્ચે લોક પ્રતિનિધિઅો પોતપોતાના વિકાસ કામો સમાવવા માટે પણ અાંટાફેરા કરતા થઈ ગયા છે. પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બરમાં સતત બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.
ફોટડી ગ્રા.પં. સુપરસીડ
જિલ્લા પંચાયતની 16મી તારીખે મળનારી સામાન્ય સભામાં 8 જેટલા અેજન્ડા સાથે સદસ્યોને જાણ કરી દેવાઈ છે, જેમાં ભુજ તાલુકાની ફોટડી ગ્રામ પંચાયતને સુપરસીડ કરવા, નખત્રાણા તાલુકાની વંગ જૂથ ગ્રામ પંચાયતમાંથી ડાડોર, ઝાલુ ગામને અલગ ગ્રામ પંચાયત અાપવા સહિતના મુદ્દે દરખાસ્ત, ઠરાવ અને ચર્ચા થશે.
જિલ્લા ભાજપના હોદ્દેદારો જોડે બેઠક
ભુજ નગરપાલિકાની સામાન્ય સભા પહેલા જિલ્લા ભાજપના હોદ્દેદાર જોડે બેઠક થયાની ચર્ચાઅે જોર પકડ્યું છે. અેવી જ રીતે અન્ય હોદ્દેદારોઅે પણ દરખાસ્તો, ઠરાવોમાં હસ્તક્ષેપ કર્યાનું ચર્ચાઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.