નિર્ણય:કચ્છમાં મોહરમ દરમિયાન ડીજે વગાડવા પર ખુદ તાજીયા કમિટીએ લાદયો પ્રતિબંધ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અખિલ કચ્છ મોહરમ તાજીયા કમિટી દ્વારા બેઠક બાદ નિર્ણય
  • કોમી એખલાસ સાથે મોહરમનું પર્વ મનાવાશે : સરઘસોમાં શિષ્ટાચાર રાખવા અપીલ

માંડવી ખાતે અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટીની બેઠક જિલ્લાના તમામ શહેરો, ગામડાઓના વિવિધ માતામોના માતામીઓ, તાજીયા કમિટીઓના પ્રમુખો, મજલિસે હુસૈનના સભ્યો, સબીલે હુસૈનના સભ્યોની ઉપસ્થિતીમાં અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટીના પ્રમુખ પીર સૈયદ કૌશરઅલી શાહ હાજીમખદુમઅલી બાપુના અધ્યક્ષસ્થાને પીર અબ્દુલ્લાહશા ઉર્ફે ઇટારાપીરની દરગાહ ખાતે યોજાઇ હતી. બેઠકમાં મોહરમનો પર્વ જુલાઇ તા.28-7 ના ગુરુવારથી ઓગસ્ટ તા.10-8 બુધવાર સુધી થશે તેની જાણકારી અાપવામા અાવી હતી.

કરબલાના અમર શહીદોની યાદમાં મોહરમનો ગમનો પર્વ શાંતિ, ઓખલાસ તેમજ કોમી ભાઇચારા સાથે મનાવવામાં આવશે. મોહરમ નિમિતે નીકળતા પંજાઓ, અલમો, નિશાનો, દુલદુલો, સેજો, તાજિયાઓ, સરઘસો, સબીલો, મજલિસો, ઓસાણીઓ-માતમનો આયોજન કરવામાં આવશે. બેઠકમાં અખિલ કચ્છ મોહરમ તાજીયા કમિટી દ્વારા સતત ત્રીજા વર્ષે કમિટીના પ્રમુખ તરીકે પીર સૈયદ કૌશરઅલીશાહ હાજીમખદુમઅલી બાપુની વરણી કરાઇ હતી. કમિટી દ્વારા સમગ્ર કચ્છમાં ડી.જે. વગાડવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ મોહરમ નિમિતે કોમી એકતા સાથે શ્રદ્ધાળુઓની આસ્થા અને આકિદત જળવાઇ રહે તેવા પ્રયત્નો કરવા જણાવાયું હતું.

તાજીયા કમિટીના પ્રમુખે જણાવ્યું હતું કે, મોહરમનું પર્વ એ મુસ્લિમ સમાજનું નહી પણ સમગ્ર માનવજાતનું પર્વ છે. દેશમાં કોમી એકતા, ભાઇચારો જળવાઇ રહે તે માટે દુઆ કરી કચ્છમાં મોહરમના પર્વ મનાવવા સંદર્ભે કચ્છ જિલ્લાના અધિકારીઓ, સ્થાનિક અધિકારીઓ, તેમજ પ્રજાકીય પ્રતિનિધિઓના સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યું હતું.

કોરોના કાળના 2 વર્ષ બાદ મોહરમનો પર્વ ચાંદની તારીખથી 12 મી મોહરમ સુધી જુદી જુદી તારીખોમાં ધાર્મિક પ્રવૃતિઓ, મજલિસો, અોસાણીઓ, મરસિયાઓ, સબીલો અને ઇબાદતોનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે પણ માંડવી મધ્યે કોમી એકતા અને ભાઇચારાનો સંદેશ આપતી સર્વ ધર્મ કોમી સદભાવ માનસ મોહબ્બત મજલિસ પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશા બાપુ(રહમતુલ્લાહ અલયત)ના માર્ગદર્શન મુજબ યોજવામાં આવશે. મોહરમ ખુબ જ શિષ્ટાચાર સાથે મનાવવા અપીલ કરાઇ હતી. મોહરમના સરઘસો દરમ્યાન જો કોઇ વ્યક્તિ નશાની હાલતમાં જણાશે તો તેના વિરુદ્ધ પોલીસને કાર્યવાહી કરવા જણાવાયું છે. કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેના માટે દરેક સરઘસમાં સ્વયંસેવકોની ટીમ ઉભી કરાશે.

અન્ય સમાચારો પણ છે...