બે વર્ષનું વેતન નથી મળ્યું:કોરોનામાં તબીબ માટે લાલ જાજમ પાથરનારા તંત્રનું હવે વેતન માટે રીતસર ચલક-ચલાણું

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજારની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવનારા તબીબને બે વર્ષનું વેતન નથી મળ્યું

કચ્છમાં 2020 દરમિયાન કોવિડ એ ભારે ઉપાડો લીધો હતો અને લોકો ટપોટપ ભોગ બની રહ્યા હતા ત્યારે તબીબ ધર્મ નિભાવવા અને વતનના લોકોને ઉપયોગી થવા અમદાવાદની પ્રસિદ્ધ એવી સ્ટર્લિંગ હોસ્પિટલને છોડીને અંજાર સરકારી હોસ્પિટલમાં ફિઝિશિયન તરીકે હાજર થઇ દિનરાત દર્દીઓની સેવામાં રત રહેલા તબીબને છેલ્લા બે વર્ષથી અંદાજે ‌‌રૂા. 4 લાખ જેટલું વેતન આરોગ્ય તંત્ર ચૂકવતું નથી અને રીતસર ચલક-ચલાણું રમાડે છે પરિણામે માદરે વતનમાં આરોગ્ય સેવાનો ઉદેશ લઇને ભવિષ્યમાં કોઇ પણ તબીબ ન આવે તેવી સ્થિતિના ભણકારા વાગી રહ્યા છે.

અંજાર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના અધિક્ષક પાસે પાંચમી સપ્ટેમ્બર 2020ના હાજર થયેલા મૂળ અંજારનાં જ નિવાસી એવા સ્ટર્લિંગ અમદાવાદમાં ફરજ બજાવતા યુવા ફિઝિશિયન કહે છે કે, જ્યારે પરિસ્થિતિ વણસેલી હતી ત્યારે મારા ઘેર સરકારી ગાડી લેવા-મુકવા મોકલાતી પણ હવે જ્યારે સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે તો હક્કનું વેતન પણ આપવામાં રીતસરના અખાડા થઇ રહ્યા છે.

પરિવારમાં એક નહીં પણ અનેક તબીબ ધરાવતા આ યુવા ડોક્ટરની ફરિયાદ છે કે, માત્ર તેમણે જ નહીં અંજાર સરકારી હોસ્પિટલના અધિક્ષકએ જિલ્લા પંચાયતમાં વખતો-વખત પત્ર વ્યવહાર કર્યો અને મહત્વની આરોગ્ય સેવાઓ મળી હોવાથી ચૂકવણું કરી દેવા ભલામણપત્ર આપવા છતાં ભુજ સ્થિત જિલ્લા પંચાયત હસ્તકની આરોગ્ય શાખા દિનબદિન દૂધમાંથી પુંવરા કાઢે તેવી ક્વેરીઓ કાઢે છે, જેમ કે, કેટલા દર્દી તપાસ્યા? જેનો વિગતવાર લેખિત જવાબ અંજાર હોસ્પિટલે આપ્યો તો પૂછાય છે કે, ક્યા-ક્યા દર્દી હતા અને કઇ-કઇ સારવાર કરી?

રાષ્ટ્ર સેવા અને વતન પ્રેમને પ્રાધાન્ય આપતાં આ યુવા તબીબે તબીબી અભ્યાસક્રમ સંપન્ન કર્યા બાદ ખાનગી રાહે પ્રેક્ટિસનો નિર્ણય લીધો અને તે માટે રૂા. 10 લાખ જેટલી બોન્ડની રકમ સરકારમાં જે-તે વખતે જ ભરી દીધી અર્થાત પૈસા મહત્વની બાબત નથી પણ કોરોના વોરિયર’ થઇને ખરા ટાંકણે ચાર મહિના કામ કર્યું જે સેવા આપી તેનું વેતન માત્ર બેદરકારીના લીધે ન ચૂકવાય એ યોગ્ય નથી તેથી લડત આદરી છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ સેવા સોંપી હતી અને જે તે વખતે સેવાની નોંધ પણ લીધી હતી. હવે ડી.ડી.ઓ ભવ્ય વર્મા કહે છે કે, ગ્રાન્ટ નથી. કોરોનાની ગ્રાન્ટ તો વપરાઇ ગઇ, આ વિવાદમાં નિષ્ઠાપૂર્વક અને સાચી તબીબી સેવા આપનારને ભોગવવું પડે છે એ દુ:ખદ ઘટના છે.

દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માને આ સંદર્ભે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ડો. મિહિર ઠક્કરને કોરોના કાળ વખતની સેવા દરમિયાન કેટલીક કાગજી કાર્યવાહી થઇ ન હતી. આ પ્રકરણ તેમના પાસે બે મહિના પહેલાં રજૂઆતરૂપે આવ્યું છે અને કોરોનાની ગ્રાન્ટ આધારિત ચૂકવણી કરવાની થતી હોય છે. હવે, ચૂંટણીના દિવસો પૂરા થયા બાદ સરકાર સમક્ષ આ મામલે કાગજી કાર્યવાહીની પૂર્તતા સહિતની રજૂઆત કરાશે અને સરકારની મંજૂરી બાદ ચૂકવણું કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...