ખબરની અસર:ભચાઉ ચાર રસ્તા પાસે દવાખાના દ્વારા મેડિકલ બાયો વેસ્ટનો નિકાલ કરાયાના 'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ બાદ તંત્ર દોડ્યું

કચ્છ (ભુજ )24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભચાઉના પ્રવેશદ્વાર પાસે કસ્ટમ ચાર રસ્તા પર આવેલા ખાનગી દવાખાના દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટને ફેંકી દેવાયાની ગંભીર બેદરકારીનો અહેવાલ ગઈકાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસારિત થયો હતો. જેમાં લોકોની અવરજવરથી સતત વ્યસ્ત રહેતા જાહેરમાર્ગ પર ફેંકાયેલા મેડિકલ વેસ્ટથી લોકોના આરોગ્યને જોખમ સર્જાયું હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતા આજે ગુરુવારે ભચાઉ મામલતદાર જે.એચ. પાન દ્વારા ચીફ ઓફિસર મારફતે ખાનગી હોસ્પિટલના જવાબદાર તબીબને મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાની અને અધિનયમ 2016 મુજબ નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી.અને પડતર કચરાને દૂર કરાવ્યો હતો. તંત્રના તાકીદના પગલાંથી નગરજનોમાં રાહત ફેલાઈ હતી.

વર્ષ 2016ના અધિનયમ મુજબ મેડિકલ વેસ્ટનો નિકાલ કરવા સૂચના અપાઈ
આ વિશે ભચાઉ મામલતદાર જે.એચ. પાનનો સંપર્ક સાધતા તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ગઈકાલે નગરના ચાર રસ્તા પર ખાનગી હોસ્પિટલ દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવતા આજે નગરપાલિકા હસ્તે ચીફ ઓફીસરને જાણકારી આપી જવાબદારને હવેથી મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાની સૂચના આપી દેવામાં આવી હતી. ત્યારબાદ કચરાનો પણ નિકાલ કરાવી દેવામાં આવ્યો હતો. વધુમાં કહ્યું હતું કે,મેડિકલ વિભાગની કોઈ બેદરકારી માટે આરોગ્ય વિભાગ કસૂરવાર એકમ સામે દંડનીય કાર્યવાહી કરી શકે છે, અમારું કામ માત્ર તાકીદ કરવાનું હોય છે,

અન્ય સમાચારો પણ છે...