માલધારીઓમાં ચિંતા:લખપતના સીમાડામાં વારંવાર લાગતી આગ અટકાવવા તંત્ર પાસે કોઈ કાયમી ઉકેલ નહીં !

ભુજએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુધવાયની રખાલમા આગ ફેલાઈ ત્યારે ફાયરવાહન સ્થળ પર પહોંચી ન શકતા જ્વાળાઓ ફેલાઈ હતી
  • પવનચક્કીના વાયરોમાં સ્પાર્ક થવાના કારણે સળગે છે ઘાસ,પણ ફોરેસ્ટ ખાતુ સ્વીકારતું નથી

લખપત તાલુકાના સીમાડામાં અવાર નવાર ઘાસના જથ્થામાં આગ લાગતી હોવાના કિસ્સા સામે આવે છે.જેનાથી માલધારીઓમાં ચિંતા છે,પણ તંત્ર પાસે કોઈ કાયમી ઉકેલ નથી. આ વર્ષે ચોમાસુ સારું હોવાથી ચરિયાણ સારું થયું છે પણ સીમાડામા આગના બનાવો વારંવાર બને છે.વન વિભાગ ઉત્તર રેન્જના વિસ્તારમાં આવતા વર્માનગર અને મુધવાય વચ્ચે સીમાડામાં મોટા પ્રમાણમાં આગ લાગતા ઘાસનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

અવાર નવાર આગના કારણે ચારો બળી જાય છે પણ તેનું કારણ વન વિભાગના જવાબદાર અધિકારીઓ પાસે નથી.ગ્રામજનો કહે છે,પવનચક્કીના કારણે આગ લાગે છે પણ તંત્ર સ્વીકારવા તૈયાર નથી. હાલમાં આગ લાગી ત્યારે ઉમરસર લિગ્નનાઈટ પ્રોજેક્ટ તેમજ પાનધ્રો કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર હાઉસના બે ફાયર વાહન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પણ જે વિસ્તારમાં મુધવાયની રખાલમા આગ ફેલાઈ હતી ત્યાં આગને કાબુમાં લેવા માટે વાહન સ્થળ પર જઈ શકે તેવી વ્યવસ્થા ન હોતા મુશ્કેલી જોવા મળી હતી.

ફોરેસ્ટના જવાબદાર અધિકારીઓ પાસે રોડ- રસ્તા ક્લિયર કરવા માટે જેસીબી જેવા મશીન ન હોવાથી આગ વધારે ફેલાઈ ગઈ હતી.ઉત્તર રેન્જ કે પક્ષિમ રેન્જ પોતાના વિસ્તારની રખાલોમા જવા માટે સુવિધાઓ નથી. એક બાજુ હજારોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે બીજી બાજુ ઘાસની સાથે નાના વૃક્ષો પણ આગના કારણે નાશ પામતા હોય છે ત્યારે આ મુદ્દે વન વિભાગની આંખ ઉઘડે તેવી માંગ લોકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...