કચ્છથી પાકિસ્તાન પહોંચી ગયેલા અાર્મીના કેપ્ટનના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઇ છે. જેમાં કોર્ટે ગુરુવારે કેન્દ્રને કમલા ભટ્ટાચાર્યની અરજી પર અપડેટ સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. કમલા ભટ્ટાચાર્ય કેપ્ટન સંજીત ભટ્ટાચાર્યજીની માતા છે જે કચ્છ બોર્ડર પર ઓપરેશન દરમિયાન ગુમ થઈ ગયા હતા અને છેલ્લા 25 વર્ષથી પાકિસ્તાનની જેલમાં હોવાનું કહેવાય છે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, સૂર્યકાંત અને પીએસ નરસિમ્હાની બેન્ચે કેન્દ્ર તરફથી હાજર રહેલા વકીલને કહ્યું, “આ અરજી માતા દ્વારા દાખલ કરવામાં આવી છે જેનો પુત્ર સરહદની કાર્યવાહી દરમિયાન ગુમ થયો હતો. તમે (કેન્દ્ર) આ બાબતે અપડેટેડ રિપોર્ટ ફાઇલ કરો અને જણાવો કે કયા પગલાં લેવામાં આવ્યા છે. અમે બીજા દેશને સૂચના આપી શકતા નથી.
નોંધનીય છે કે અગાઉ આ અરજીના જવાબમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે 83 સંરક્ષણ કર્મચારીઓ ગુમ છે, જેમાંથી 62 સંરક્ષણ કર્મચારીઓ વર્ષ 1965 અને 1971ના યુદ્ધ કેદીઓ છે, જેમની મુક્તિ માટે ભારત દ્વારા પાકિસ્તાન સાથે રાજદ્વારી અને અન્ય ઉપલબ્ધ માધ્યમો વડે પ્રયાસો કરાઇ રહ્યા છે. અરજી પર, સરકારે વિદેશ મંત્રાલય દ્વારા એફિડેવિટ દાખલ કરી હતી. અરજીમાં, માતાઅે કોર્ટને વિનંતી કરી છે કે તેઓ છેલ્લા 25 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ તેના પુત્રની વાપસી માટે રાજદ્વારી માધ્યમો દ્વારા પગલાં લેવા કેન્દ્રને નિર્દેશ આપે.
વધુમાં કહેવામાં આવ્યું હતું કે અરજદારને માહિતી મળી છે કે સંજીત લાહોરની કોટ લખપત જેલમાં કેદ છે. તેણે જણાવ્યું કે સંજીતને ઓગસ્ટ 1992માં ભારતીય સેનાની ગોરખા રેજિમેન્ટમાં ઓફિસર તરીકે કમિશન્ડ કરવામાં આવ્યો હતો. તેમના પરિવારને એપ્રિલ 1997માં માહિતી મળી હતી કે તેમનો પુત્ર રાત્રે પાકિસ્તાન સાથેની સરહદ પર પેટ્રોલિંગ કરવા માટે ગુજરાતના કચ્છના રણમાં ગયો હતો જ્યારે તેને આંતરરાષ્ટ્રીય સરહદે જમીની કાર્યવાહી દ્વારા પાકિસ્તાની અધિકારીઓ દ્વારા પકડવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.