જસ્ટિસ ફોર દેવરામ:છાત્ર છ દિવસ હોસ્પિટલમાં રહ્યો પણ મરણોન્મુખ નિવેદન કેમ ન લેવાયું ?

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલેજના કલાસરૂમ, સ્ટાફરૂમ અને પ્રિન્સિપાલ ઓફિસના અઠવાડિયાના સીસીટીવી ફૂટેજ મંગાયા : મૃતકનો ફોન મળ્યો
  • શુક્રવારે પોલીસે કોલેજમાં જઈ ફરી વિદ્યાર્થીઓના નિવેદન નોંધ્યા : હવે સંચાલકો અને સ્ટાફને પોલીસ સ્ટેશન બોલાવાશે

ચર્ચાસ્પદ બનેલા દેવરામ આપઘાત કેસમાં ભુજ બી ડિવિઝન પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ થયા બાદ પોલીસે તપાસને આગળ વધારતા શુક્રવારે કોલેજમાં જઈ વિવિધ માહિતીઓ માંગી હતી તેમજ સાથી વિદ્યાર્થીઓના નિવેદન નોંધ્યા હતા.

પોલીસ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું કે,શુક્રવારે કોલેજમાં જઈ વિવિધ માહિતી લેખિતમાં માંગવામાં આવી છે.જેમાં દેવરામના વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નામ,સરનામા, તેની હાજરીનો રેકોર્ડ,છેલ્લા સપ્તાહના કલાસરૂમ,પ્રિન્સિપાલ ઓફીસ,સ્ટાફરૂમના સીસીટીવી ફૂટેજની સીડી માંગવામાં આવી છે.

ઘટનાસ્થળેથી દેવરામનો ફોન મળી આવ્યો હતો તેને પણ તપાસણી માટે મોકલવામાં આવશે.સંચાલકો,સ્ટાફ,વિદ્યાર્થીઓ અને આક્ષેપિતોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે દરમ્યાન આ કેસમાં હતભાગીનું મરણોન્મુખ નિવેદન ન લેવાયુ હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે.

હરિપર રોડ પર આવેલી કચ્છી લેવા પટેલ સમાજની નર્સિંગ કોલેજના બીએસસી ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ખડીરના અમરાપર ગામના દેવરામ વરચંદે ગત 29 તારીખે તેના રૂમમાં શરીરે પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કર્યું હતું તેને તાત્કાલિક સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.પોલીસ ચોકીમાં દેવરામને સાંજે 4:30 કલાકે સારવાર માટે ખસેડાયો હોવાનું લખવામાં આવ્યું છે અને તેનું મોત 3 જાન્યુઆરીના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાંજે થયું હતું.

6 દિવસ સુધી તે હોસ્પિટલમાં રહ્યો પણ તેનું મરણોન્મુખ નિવેદન (ડીડી)લેવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું છે.આવા કિસ્સાઓમાં ડિડી મહત્વનું હોય છે જેની પર સમગ્ર કેસની તપાસનો આધાર રહેતો હોય છે.સમગ્ર બાબતે પીઆઇ કે.સી.વાઘેલાથી વાત કરતા તેમણે જણાવ્યું કે,અમને રાતે 10 વાગ્યાની આસપાસ જાણ થઈ હતી.

ત્યારે ટીમને મોકલતા દેવરામની હાલત ગંભીર હોવાથી સારવાર માટે અમદાવાદ લઈ જતા હતા જેથી નિવેદન લઈ શકાયું ન હતું પણ તબીબ સાથે વાતચીત કરતા તેઓએ દેવરામ દર્દથી કણસતો હોવાથી ભુજમાં તો કોઈ વિગતો જણાવી ન હોવાનું બહાર આવ્યું છે.અમદાવાદ સિવિલમાં મોત થયું ત્યારે ત્યાંથી એડી સંબધિત કાગળો લઈ જવા કોલ આવ્યો હતો હાલ વિવિધ મુદાઓ પર તપાસ થઈ રહી હોવાનું જણાવ્યું હતું.

યુનિવર્સિટીએ લેખિત જવાબ માંગ્યો, કોલેજે કહ્યું તપાસ કમિટી બનાવી છે
કુલપતિ પ્રો.જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે,આ કેસમાં ગુરૂવારે કોલેજને નોટિસ આપી ઘટના સંબધિત હકિકતલક્ષી માહિતી મંગાઈ છે.જવાબમાં કોલેજે જણાવ્યું છે કે,અમે તપાસ કમિટી બનાવી છે.જેની તપાસ પૂર્ણ થયેથી અહેવાલ સોંપવામાં આવશે.આજે ઘટના સંદર્ભે યુનિવર્સિટીના જવાબદારો દ્વારા એક મીટીંગનું આયોજન કરાયું હોવાનું રજિસ્ટ્રારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...