દરોડો:ભચાઉના લોધેશ્વર વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે સવા ચાર લાખના દારૂ સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા

કચ્છ (ભુજ )20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ દારૂનું કટીંગ કરી રહ્યા હતા ત્યારે જ સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી
  • કુલ સાત શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો, ત્રણની શોધખોળ યથાવત
  • 7 વાહન સહિત કુલ રૂ. 18 લાખ 54 હજાર 480નો મુદામાલ કબ્જે લેવાયો

પૂર્વ કચ્છના ભચાઉથી 4 કિલોમીટર દૂર લોધેશ્વર પાંજરાપોળની પાછળ ગત મોડી રાત્રે રાજ્યસ્તરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ચાલી રહેલા દારૂના કટિંગ વેળાએ દરોડો પાડી રૂ. 4 લાખ 36 હજાર 980ના કિંમતની દારૂની બોટલ અને બિયરના ટીનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. દારૂની બોટલ ભરેલી પેટીઓને વાહનમાંથી ઉતારી અન્ય વાહનમાં શિફ્ટ કરી રહેલા ચાર આરોપીઓ આ દરમ્યાન ઝડપાઇ ગયા હતા જ્યારે માલ મંગાવનાર સહિત ત્રણ આરોપી હાજર ના મળતા તેમના વિરુદ્ધ પણ આઈપીસી એક્ટ તળે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ દરોડામાં રોકડ રકમ અને 7 વાહન સહિત કુલ રૂ. 18 લાખ 54 હજાર 480નો મુદામાલ કબ્જે લેવાયો હતો. આ કામગીરીમાં એસ.એમ.સી.ના પીઆઈ જી.જે. રાવત હાજર રહ્યા હતા.

કુલ સાત આરોપી સામે ગુન્હો નોંધાયો તેમાં 4 ઝડપાઇ ગયા હતા
ભચાઉ વિસ્તારમાં વર્ષોથી ઈંગ્લીશ દારૂનું જથ્થાબંધ વેંચાણ કરતો અને અનેક વખત પાસા તળે સજા ભોગવી ચૂકેલો આરોપી અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજાએ મંગાવેલા દારૂના જથ્થાને સાગરીતો નિયત સ્થળે પહોંચાડે તે સમયેજ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી અને મધરાત્રીએ નોંધપાત્ર દારૂના જથ્થા સાથે ચાર આરોપીને રંગેહાથ ઝડપી પડયા હતા. પકડાયેલા આરોપી શિવમસિંહ ઉર્ફે ધર્મેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, પ્રદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા,જીતેન્દ્રસિંહ સુરુભા જાડેજા અને હરદેવસિંહ ચંદનસિંહ વાઘેલા પાસેથી રૂ. 4 લાખ 36 હજાર 980નો દારૂ, રૂ. 11500ની રોકડ અને રૂ. 26 હજારની કિંમતના 7 મોબાઈલ તથા રૂ. 13 લાખ 80 હજારના 7 વાહનો મળી કુલ રૂ. 18 લાખ 54 હજાર 480નો મુદામાલ કબ્જે લેવાયો હતો.

જ્યારે હાજર ના મળેલા ત્રણ આરોપીઓમાં અજાણ્યો બાઈક ચાલક, સૂત્રધાર અશોક મામા અને ભગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા વિરુદ્ધ પણ આઈપીસી એક્ટ તળે ભચાઉ પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. દરમ્યાન એસ.એમ.સી. દ્વારા સ્થાનિક પોલીસને પણ અંધારામાં રાખી ગત મોડી રાત્રે દરોડૉ પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે દરોડા બાદ આ વિસ્તારના જવાબદાર પોલીસ કર્મી વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવે તો નવાઈ નહિ.

અન્ય સમાચારો પણ છે...