ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવી સંભાવનાઓ વચ્ચે ગૃહવિભાગે ચૂંટણી ન્યાયિક, મુક્ત અને શાંતિપૂર્વક માહોલમાં યોજાય તે માટે પોલીસ વિભાગને કાયદો વ્યવસ્થા જાળવવા અંગેનો પરિપત્ર કર્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની આગોતરી તૈયારીના ભાગરૂપે લાઇસન્સવાળા હથિયારો જમા લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.
પરિપત્રમાં જણાવ્યા મુજબ, દરેક જિલ્લામાં મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકોની તથા કમિશનરેટ વિસ્તારોમાં પોલીસ કમિશનરો અને જોઇન્ટ કે એડિ. પોલીસ કમિશનરોએ સ્ક્રીનિંગ કમિટીની રચના કરવાની રહેશે. આ સ્ક્રીનિંગ કમિટી ચૂંટણી જાહેર થયાની તારીખથી કામ શરૂ કરશે. આ પરિપત્રની એક નકલ ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને પણ મોકલવામાં આવી છે. એટલે કે ટૂંક જ સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.
ચૂંટણી પહેલાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે અત્યારથી સ્ક્રીનિંગ કમિટીની રચના માટે આદેશ જારી કરાયો છે. એટલે ચૂંટણી આવે ત્યાં સુધીમાં આ પ્રક્રિયામાં વિલંબ ન થાય. ચૂંટણી વહેલી છે એવી કોઈ બાબત નથી. - રાજકુમાર, ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.