કચ્છમાં લમ્પી સ્કિન ડિસિસના કારણે ગૌ વંશમાં તેનું સંક્રમણ પ્રતિદિન વધી રહ્યું છે. જેને લઈ ગાયોની હાલત ખુબજ દુઃખદ બની રહી છે ત્યારે આજે શુક્રવારે જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ગાયોની દશા જોઈ ભાવુક બની ગયા હતા અને ગૌ વંશના થઈ રહેલા મૃત્યુની માહિતી મેળવતા સમયે પોતાના આંસુ રોકી શક્યા નહોતા. મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામ પાસે આવેલી નંદી શાળાની મુલાકાત વેળાએ તેઓ ગૌ વંશને નિહાળી વ્યથિત થઈ ગયા હતા. તેમના દ્વારા ગૌ વંશને લમ્પી રોગથી બચાવવા સરકાર સમક્ષ વધુ તબીબી સહાયની માગ સાથે ગાયોના મૃત્યુ બદલ પશુધારકોને રૂ. 50 હજાર સુધીનું વળતર ચૂકવવા અપીલ કરી હતી..
ગાયોની હાલત જોતા જગદીશ ઠાકોર વ્યથિત જણાયા
કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર તેમના સહયોગી રામ કિશન ઓઝા, પાલ અંબાલિયા, સ્થાનિકના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, મુન્દ્રાના ચંદુભા જાડેજા અને કિશોરદાન ગઢવી સહિતના અગ્રણીઓ સાથે મુન્દ્રા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ગૌ વંશની સ્થિતિ અંગેનો ચિતાર મેળવવા પહોંચ્યાં હતા. આ દરમ્યાન ભુજપુર ખાતેની નંદી શાળામાં રહેલા ગૌવંશમાં ફેલાયેલા લમ્પી સ્કિન ડિસિસના કારણે થયેલી હાલત નિહાળી તેઓ દુઃખી થઈ ગયા હતા અને વિગતો મેળવતા દરમ્યાન રીતસર રડી પડ્યા હતા. લમ્પી રોગના કારણે ગાયોની હાલત જોતા તેઓ વ્યથિત જણાયા હતા. અલબત્ત શ્રી ઠાકોર દ્વારા પશુપાલકોને ગૌ હાનિ બદલ વળતરની માગ પણ સરકારને આલેખીને કરી હતી.
કચ્છ જિલ્લામાં લમ્પીએ કાળો કેર વર્તાવ્યો છે. અત્યાર સુધીમાં દોઢ લાખ જેટલા પશુઓ લમ્પીની ઝપેટમાં આવ્યા છે. 2200 પશુઓના મોત નિપજી ચૂક્યા છે. જિલ્લામાં 1 લાખ કરતા વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.