ગ્રાહકો નિયમોથી અજાણ:હોટલના મેન્યુ કાર્ડમાં કિંમત સાથે વજન લખવાના નિયમનો ઉલાળીયો

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જવાબદાર એવા તોલમાપ વિભાગ પાસે કાર્યવાહી કરવા માટે સ્ટાફ જ નથી !

સરકાર નિયમો તો અનેક બનાવે છે પરંતુ તેની વાસ્તવિક સ્થિતિમાં અમલવારી ન થતી હોવાના અનેક દાખલાઓ છે.ગ્રાહકને સ્પર્શે છે ત્યાં સુધી મોટાભાગના લોકો ઘરે મહેમાન આવે અથવા તો વાર-તહેવારે જમવા માટે હોટલમાં જતા હોય છે.પરંતુ મોટાભાગના ગ્રાહકો નિયમોથી અજાણ હોય છે.

સરકાર દ્વારા એવો કાયદો બનાવાયો છે કે, હોટલ-રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા ગ્રાહકને મેન્યુ કાર્ડ આપવામાં આવે તો તેમાં ખાદ્યવસ્તુના ભાવની સાથે તે કેટલા ગ્રામ આપવામાં આવશે તે લખવું પણ જરૂરી છે.જેમકે, કેટલા ગ્રામ શાક, દાળ, ભાત આપવામાં આવશે અથવા તો કેટલા નંગ પાપડ અપાશે તે સહિતની બાબતો અંગે મેન્યુ કાર્ડમાં સ્પષ્ટતા કરવાની હોય છે.

તો પ્રવાહી પીણામાં પણ કેટલા મિલી પ્રવાહી ગ્રાહકને કેટલા રૂપિયામાં મળશે તેની પણ માહિતી આપવી પડે છે પણ કચ્છમાં આવેલી મોટાભાગની હોટલો-રેસ્ટોરન્ટમાં આ નિયમનો સરેઆમ ભંગ થતો જોવા મળે છે.હોટલ રેસ્ટોરન્ટના સંચાલકો અમલવારી કરતા નથી અને ગ્રાહકો પાસે પૂરતી માહિતી નથી હોતી જેના કારણે સરવાળે ગ્રાહકને જ ભોગ બનવાનો વારો આવે છે.

આ સ્થળોએ ચેકિંગની જવાબદારી જિલ્લા તોલમાપ વિભાગની છે ત્યારે તોલમાપ અધિકારી વી.કે. પટેલથી વાત કરતા જણાવ્યું કે, કચ્છમાં જે હોટલો ઓનલાઇન ફૂડ ડિલિવરી એજન્સી સાથે સંકળાયેલી છે ત્યાં આ નિયમની અમલવારી થઈ રહી છે અને અગાઉ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જોકે ઘણી હાઈવે હોટલ-રેસ્ટોરન્ટમાં અમલવારી ન થતી હોવાનું ધ્યાને આવ્યું છે પણ હાલમાં સ્ટાફ નથી.પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં એક-એક ઇન્સ્પેક્ટર હોવાનો એકરાર કર્યો હતો.

શિયાળામાં એસી બંધ હોય છતાં ચાર્જ લેવાય છે !
સરકારે ખાદ્ય પદાર્થો પર જીએસટી ચાર્જ લગાવ્યો છે પણ ઘણી હોટલો પાર્સલ સર્વિસમાં પણ ગ્રાહકો પાસેથી જીએસટી વસૂલતી હોવાની ફરિયાદો સામે આવી છે તેમજ હાલમાં શિયાળાના સમયગાળામાં એસી બંધ જ હોય છે તેમ છતાં એસીનો ચાર્જ બીલમાં લેવામાં આવે છે.મોટાભાગના લોકો માત્ર રકમ જુએ છે પણ કેટલો ચાર્જ લગાવ્યો તે જોતા નથી જેના કારણે છૂટોદોર મળી જાય છે ત્યારે આ દિશામાં લોકો જાગૃત બની ફરિયાદ માટે આગળ આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...