અહીંની આરટીઓ કચેરી છેલ્લા થોડા સમયથી ઘણી ચર્ચામાં આવી હતી.જેમાં અવારનવાર ફરિયાદો થવાના કારણે કમિશનર કચેરીમાંથી ટીમનું ચેકિંગ તેમજ ઓવરલોડ વાહનો સામે કાર્યવાહીમાં ઢીલાશ સહિતના મુદ્દે ઉઠેલા મામલા વચ્ચે આરટીઓ અધિકારીની બદલી કરી દેવામાં આવી છે.
ગાંધીનગર કમિશનર કક્ષાએથી રાજ્યભરમાં આરટીઓમાં બદલી અને નિમણુંકના હુકમો જાહેર કરવામાં આવ્યા છે.જેમાં ભુજની કચેરીએ ઈન્ચાર્જ આરટીઓ અને સાથે અંજારની કચેરીનો ચાર્જ સંભાળતાં અધિકારી વિપુલ ગામીતની બદલી કરી ગાંધીનગર કમિશનર કચેરીએ સહાયક વાહન વ્યવહાર નિયામક તરીકે મુકવામાં આવ્યા છે.તેમની જગ્યાએ અમદાવાદ આરટીઓ કચેરીમાંથી મોટર વાહન નિરીક્ષક વર્ગ-2 પ્રદીપ વાઘેલાને ભુજનો ચાર્જ અપાયો છે.જોકે અંજાર આરટીઓ કચેરીનો ચાર્જ કોની પાસે રહેશે તે મુદ્દે સ્પષ્ટીકરણ કરાયું નથી.
ભુજની કચેરીએ આરટીઓ વિપુલ ગામીત ગત 19 સપ્ટેમ્બરના હાજર થયા હતા અને છ મહીનાના ટૂંકા સમયગાળામાં તેમની બદલી થઈ ગઈ છે. ભુજની કચેરીએ ઘણા અનુભવો શીખવાડયા તેવું અધિકારીએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું.દરમ્યાન સૂત્રોએ જણાવ્યું કે,હવે ટૂંક સમયમાં ઇન્સ્પેક્ટરોની બદલી પણ થશે.જેમાં લાંબા સમયથી ભુજની કચેરીમાં ફરજ બજાવતા અને સતત ચર્ચા અને વિવાદોમાં રહેતા ત્રિપુટી ઇન્સ્પેક્ટરોની જોડી વિખેરાઈ જાય તેવી પણ શકયતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.