આખ આડા કાન:અબડાસાના લાખણિયાને તેરા ગામથી જોડતો રસ્તો ગાડાવાટથી પણ બદતર

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

અબડાસા તાલુકાના લાખણિયાને હેરીટેજ વિલેજ તેરાથી જોડતો રસ્તો ગાડાવાટથી પણ બદતર હોઇ અા માર્ગે પસાર થતા વાહન ચાલકોને નાકે દમ અાવી જાય છે. અા રસ્તો બનાવવા તંત્ર અને પ્રજાકીય પ્રતિનિધિઅોને અનેક વખત રજૂઅાતો કરાઇ હોવા છતાં પણ તેનો ઉકેલ અાવ્યો નથી.

તાલુકાના તેરાથી નેત્રા તરફ જતા માર્ગે અાવતા લાખણિયામાં અંદાજિત 500 જેટલા મતદારો છે અને મુસ્લિમ, મહેશ્વરી, ભાનુશાલી, કોળી સમાજના લોકો વસવાટ કરે છે. અા ગામના રાશનકાર્ડ ધારકોને રાશન માટે 6 કિ.મી. દુર અાવેલા તેરા ગામની વ્યાજબી ભાવની દુકાને જવું પડે છે અને રાશન ઉપરાંત, શિક્ષણ, અારોગ્યની સુવિધા માટે પણ લાખણિયા ગામના લોકો તેરા તેમજ તાલુકા મથક નલિયા પર નિર્ભર છે. ગામને તેરાથી જોડતો 6 કિ.મી. રસ્તો ગાડાવાટથી પણ બદતર હાલતમાં છે. વર્ષો પહેલા બનેલા ડામર રોડ પર ડામર ગાયબ થઇ ગયું છે અને મેટલ દેખાય છે, જેથી વાહન ચાલકોને નાછૂટકે માર્ગની સાઇડમાંથી વાહન ચલાવવું પડે છે.

ખાસ કરીને દ્વિ-ચક્રીય વાહન ચાલકોને અા માર્ગ પાર કરવો માથાનો દુ:ખાવો બન્યો છે. તાજેતરમાં યોજાયેલી ગ્રામપંચાયતોની ચૂંટણી બાદ ગ્રામજનોઅે નલિયામાં મામલતદારને અાવેદન પાઠવી તાત્કાલિક ધોરણે માર્ગ બનાવવા માંગ કરી હતી. ગ્રામજનોના કહેવા મુજબ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટયા બાદ ગામમાં અાવેલા પ્રદ્યુમનસિંહે પણ તાત્કાલિક માર્ગ બનાવી અાપવાની ખાતરી અાપી હતી. ત્યારબાદ તેઅો પેટા ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાઇ અાવ્યા બાદ જાણે ભૂલી ગયા હોય તેમ અાજદિન સુધી અા પ્રશ્નનો ઉકેલ અાવ્યો નથી. તંત્રને વખતોવખત રજૂઅાતો કરી હોવા છતાં માર્ગ બન્યો નથી અને માત્ર ચૂંટણી ટાંકણે દેખાતા નેતાઅો વચનોની લ્હાણી કરી ભૂલી જતા હોય છે ત્યારે લાંબા સમયથી માર્ગ ન બનતાં અા વખતે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...