શહેરી જીવનના અભિન્ન અંગ એવા શેરી ફેરિયાઓ માટેના સરકારી અધિનિયમની જોગવાઇઓ હોવા છતાં કચ્છના ભુજ, અંજાર અને ગાંધીધામ જેવાં શહેરોમાં નગરપાલિકાઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન થતું હોવા સંદર્ભે નેશનલ હોકર્સ ફેડરેશન દ્વારા પ્રાદેશિક કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરાઇ હતી. જેના પડઘા સ્વરૂપે પ્રાદેશીક કમિશનરની કચેરી દ્વારા ભુજ, અંજાર, ગાંધીધામ સહિતની રાજકોટ ઝોનની નગરપાલિકાઓને નેશનલ હોકર્સ ફેડરેશનની રજૂઆતને ધ્યાને લઇ સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ – 2014ની જોગવાઇઓનું ચુસ્ત પણે પાલન કરવા લેખિતમાં આદેશ કરવામાં આવ્યો છે.
દેશના 28 રાજ્યોના શેરી ફેરિયાઓનાં સંગઠન ‘નેશનલ હોકર્સ ફેડરેશન’ દ્વારા ઉપરોક્ત સંદર્ભે પ્રાદેશિક કમિશ્નરનું ધ્યાન દોરતાં લેખિતમાં જણાવાયું હતું કે શેરી ફેરિયા અધિનિયમનની જોગવાઇઓ મુજબ જ્યાં સુધી દરેક શેરી ફેરિયાઓનો સરવે પુરો ન થાય અને દરેક ફેરિયાને વેન્ડિંગ સર્ટીફિકેટ આપવામાં ન આવે ત્યાં સુધી કોઇપણ શેરી ફેરિયાને તેની ધંધા રોજગારની જગ્યા પરથી હટાવી કે સ્થળાંતરિત ન કરી શકાય. તેમજ છુટી ગયેલા અને નવા શેરી ફેરિયાઓનું રજીસ્ટ્રેશન કરવા દર પાંચ વર્ષે એકવાર સરવે થવો જોઇએ.
અધિનિયમની આવી જોગવાઇઓ હોવા છતાં ફેડરેશનના ધ્યાનમાં આવ્યું છે કે કચ્છના ભુજ, અંજાર, ગાંધીધામ જેવાં શહેરોમાં ફેરિયાઓને કોઇ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર તેમની જગ્યા પરથી હટાવવામાં આવ્યા છે તેમજ માલસામાન ઉઠાવી જવા, નુક્સાન પહોંચાડવું જેવી પ્રક્રિયાઓ કરી અધિનિયમની કાયદાકીય જોગવાઇઓ અને ગુજરાત સરકારના 2016 અને 2018ના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરવામાં આવે છે.
આ પરિસ્થિતિમાં ફેડરેશન દ્વારા પ્રાદેશિક કમિશ્નરને તાકીદ કરવામાં આવી હતી કે તમામ નગરપાલિકાઓને સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટની જોગવાઇઓનું પાલન કરવા ફરજ પાડવામાં આવે. ફેડરેશનની લેખિત રજૂઆતને ધ્યાનમાં લઇ પ્રાદેશિક કમિશ્નરશ્રીએ ભુજ, અંજાર, ગાંધીધામ સહિત રાજકોટ ઝોનની દરેક નગરપાલિકાઓને અધિનિયમનની જોગવાઇઓનું ચુસ્તપણે પાલન થાય એ સુનિશ્ચિત કરવા લેખિત આદેશ કરાયા છે, જે બદલ નેશનલ હોકર્સ ફેડરેશન સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.