નાના બાળકોમાં ઝડપથી પ્રસરતા ચેપી રોગ ડિપ્થેરિયાએ ભુજ તાલુકાના બન્ની પંથકના ગામો અને વાંઢોમાં ખાસ્સો પગપેસારો કર્યો છે.જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે પણ અહીના અનેક અશિક્ષિત વાલીઓ દ્વારા આરોગ્ય વિભાગની ટીમોને સહકાર ન અપાતા બીમારી કઈ રીતે કાબુમાં લેવી તેને લઈને ખુદ તંત્ર પણ વિમાસણમાં પડી ગયું છે.આ એવો સમય છે કે,જ્યારે સમાજસેવી સંસ્થાઓએ સરકાર સાથે ખભેખભા મિલાવવા પડશે.
સુવિધાની દ્રષ્ટિએ પછાત ગણાતા આ ઉત્તરીય કચ્છનાં બન્ની વિસ્તારના ભૂલકાઓમાં હાલ મોટી ખાંસીનો ચેપ પ્રસર્યો છે.આ બીમારીને ડામવા માટે રસી અસરકારક છે પણ સ્થાનિકો તેનાથી અળગા રહ્યા છે.જેના કારણે બિમારીનો પ્રસરાવ વધી જતાં તાજેતરમા નાની દધ્ધર ગામે 3 વર્ષની બાળાનું મોત થયું હતું.જીવલેણ બિમારીથી મોતની ઘટના સામે આવતા આરોગ્ય વિભાગે સર્વે ઝુંબેશ શરૂ કરી છે.સર્વે ઝુંબેશના 5 દિવસમાં વિવિધ ગામોમાં જઈ આરોગ્ય વિભાગે 5 હજારથી વધુ બાળકોને તપાસ્યા હતા જેમાં મોટાભાગના બાળકોમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા હતા.
જેથી સેમ્પલ લેવા જરૂરી હતા પણ વાલીઓએ લેબરિપોર્ટનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.તેમજ રસીકરણની પણ ના પાડવામાં આવી રહી છે.સમજાવટના પ્રયાસો છતાં વાલીઓ તરફથી સહકાર ન મળતા કઈ રીતે ચેપનો ફેલાવો અટકાવવો તેને લઈને આરોગ્ય વિભાગ દ્વિધામાં છે.
જો સમયસર બીમારીને ફેલાતી અટકાવી નહિ શકાય તો બન્ની પંથકના ભૂલકાઓ માટે તે જીવલેણ સાબિત થશે જેથી હાલની સ્થિતીને લાલબત્તી સમજીને લોકો બાળકોને રસી મુકાવે અને રિપોર્ટ કરાવડાવે તે જરૂરી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું અને આ સમયે બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થાઓ સમજાવટ માટે આગળ આવે તેવી ચિંતા પણ સેવી છે.
રસી અને એન્ટીબાયોટિક જ એકમાત્ર ઉપચાર
બન્ની વિસ્તારના દરેક ગામોમાં મોટાભાગના ભૂલકાઓ ખાંસીથી પીડાઈ રહ્યા છે.આ મોટી ખાંસીના રોગમાં બાળકને જોરથી ખાંસી થાય છે અને ગળામાં અવાજ આવે છે.આ રોગથી બચવા માટે સમયસર રસી મુકાવવી જરૂરી છે.જે તમામ સરકારી કેન્દ્રોમાં મળી રહે છે પણ બન્ની અને ખાવડા વિસ્તારમાં લોકો પોતાના બાળકોને રસી મુકાવતા નથી.જેથી એન્ટીબાયોટિક પર ભાર મૂકવામાં આવ્યો છે.જો તાત્કાલિક ઉપચાર ન મળે તો પરિસ્થિતિ કાબુમા લેવી કઠિન બની જાય છે.જેથી આરોગ્ય વિભાગે હાલમાં રોગથી પીડિત બાળકોને એન્ટિબાયોટિક આપવાનું શરૂ કર્યું છે.
કચ્છમાં પરીક્ષણ માટે લેબોરેટરી જ નથી
જે બાળકોમાં આ રોગના લક્ષણો જોવા મળે તેના ગળામાંથી નમૂના લઈ તપાસ માટે મોકલવામાં આવે છે પણ કચ્છમાં પરીક્ષણ માટે ક્યાંય લેબોરેટરી જ નથી.જેથી તપાસણી માટે સેમ્પલ અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવે છે.ગ્રામીણ વિસ્તારોમાં તો કોઈ સેમ્પલ લેવા દેતું નથી પણ એક બાળકને સારવાર માટે ભુજની સંસ્થા સંચાલિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું ત્યારે અહીંથી નમૂના અમદાવાદ મોકલાયા હતા.
ભાસ્કર અપીલ : ચૂંટણી પ્રચાર માટે જતા નેતાઓ સ્થાનિકોને રસી લેવા સમજાવે તો જ સાચો પ્રચાર કહેવાય !
હાલમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ,કોંગ્રેસ સહિત અન્ય પક્ષના નેતાઓ બન્ની અને ખાવડા વિસ્તારના વિવિધ ગામોમાં ફરી પ્રચારના પ્રયાસો કરી રહ્યા છે જો આ ઉમેદવારો પોતાના પ્રચારની સાથે હાલ આ વિસ્તારમાં વકરી રહેલા ડીપ્થેરિયાને કાબુમાં લેવા લોકોને રસીકરણ માટે સમજાવે અને બાળકોને રસી મુકાવડાવે તો જ સાચા અર્થમાં સેવા ગણાશે.પક્ષોના પ્રચારની સાથે રસીકરણ અને સેમ્પલ કલેકશનનો પ્રચાર થવો પણ જરૂરી છે.
રસીકરણની કામગીરી આખરે વધી
સ્થાનિકોમાં વડીખંગ અર્થાત મોટી ખાંસી તરીકે જાણીતા ડિપ્થેરિયાના રોગથી બાળકોને રક્ષણ આપવું હોય તો એક માત્ર રસીકરણ જ ઉપાય છે.જેનું પ્રમાણ આ વિસ્તારમાં સાવ ઓછું છે.જેથી સર્વે દરમિયાન લોકોને સમજાવવામાં આવ્યા જેના કારણે કામગીરી વધી છે અને હવે 50 થી 60 ટકા રસિકરણ થઈ રહ્યું છે પણ તે ઘણું ઓછું છે તેવું આરોગ્ય વિભાગ જણાવે છે.
જે ગામમાં મોત થયું ત્યાં ખતરો ઘણો પણ કોઇ સેમ્પલ આપતા નથી
નાની દધ્ધર ગામમાં આ બીમારીથી 3 વર્ષની બાળાનું મોત થયું છે.જેના કારણે આ વિસ્તારમાં સ્થાનિક રહીશોમાં ચેપ ફેલાવવાનો ખતરો ઘણી વધી જાય છે પણ અહીંના લોકો જ સેમ્પલ લેવા દેતા નથી જેથી ચિંતા પ્રસરી છે.
આ ગામડાઓને આરોગ્યની ટીમો ખૂંદી વળી
ભીરંડિયારા,નાની દધ્ધર, મિસરિયાડો, રેલડી,રામનગરી,મદન, મેરી,ભોજરડો,વાઘુરા,લાખાબો,ઉડઈ,ડેઢિયા, સરગુ,નેરી,પારેઠી તેમજ નાની-મોટી 6 વાંઢ.
બાળકોમાં વકરેલા રોગના આ છે લક્ષણો
{ખાંસી સાથે ગળામાં દુખાવો {શ્વાસ લેવામાં તકલીફ છોલાયેલું ગળું { ગળાની અંદર સફેદ પડ દેખાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.