ભાસ્કર એક્સક્લુઝિવ:કચ્છના સમુદ્રથી મોટા રણને ચીરીને રાજસ્થાન પહોંચતી સૂચિત રાષ્ટ્રીય જળ માર્ગ યોજના પાણીમાં

ભુજ25 દિવસ પહેલાલેખક: હર્ષિલ પરમાર
  • કૉપી લિંક
  • કચ્છના સમુદ્રથી મોટા રણને ચીરીને રાજસ્થાન પહોંચતી સૂચિત રાષ્ટ્રીય જળ માર્ગ યોજના પાણીમાં
  • સરવે બાદ કોટેશ્વરથી કચ્છના રણ સુધી 52 કિમીમાં જ પાણી હોવાનું જણાય, બાકીનો 560 કિમીનો માર્ગ શુષ્ક
  • નૌકા પરિવહન માટે આ જળ માર્ગ વ્યવહારૂ ન હોવાનું કારણ આપી હાલ કેન્દ્રે પ્રોજેક્ટ પડતો મુક્યો

વર્ષ 2035 સ્થળ કોટેશ્વર ‘કોરી ક્રીકથી કૃત્રિમ કેનાલમાં તરતા પ્રવાસીઓની ક્રુઝ શીપ અને અન્ય માલવાહક જહાજો પૂર્વ તરફ જઇ રહ્યા છે. આ જહાજો કોટેશ્વરથી લખપત થઇ ધોરડો, ઇન્ડિયા બ્રિજ અને ધોળાવીરા થઇ રાજસ્થાન પહોંચશે. આવી જ રીતે સામે બાજુથી પણ જહાજો કોટેશ્વર સુધી આવી રહ્યા છે. !’ કચ્છ અને રાજસ્થાનના લોકોને રોમાંચિત કરી દે તેવી આ કલ્પના છે ને ! જોકે આ કોઇ કલ્પના નથી.

કોટેશ્વર પાસે સરવે થયો તે વખતનું દ્રશ્ય
કોટેશ્વર પાસે સરવે થયો તે વખતનું દ્રશ્ય

નદીઓને જળ માર્ગ તરીકે વિકસાવવા અભિયાન હાથ ધરાયું
ભારત સરકારના ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા વિભાગ દ્વારા દેશભરમાં નદીઓને જળ માર્ગ તરીકે વિકસાવવા અભિયાન હાથ ધરાયું છે. તેના ભાગરૂપે રાજસ્થાનથી કચ્છના કોટેશ્વર સુધી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 48 બનાવવાની તૈયારીઓ શરૂ કરી હતી. જોકે આ રોમાંતિક કરી દેતી કલ્પના વાસ્તવિક રૂપ લે તેવી શકયતા હવે ધુંધળી છે. કારણ કે પ્રારંભિક સર્વે બાદ આ પ્રોજેક્ટમાં અનેક અડચણો છે. અનેક પડકારોના લીધે સરકારે આ પ્રોજેક્ટને આર્થિક રીતે અવ્યવહારુ લેખાવ્યો છે.

કુલ 111 રાષ્ટ્રીય જળ માર્ગ નક્કી કરવામાં આવ્યા હતાં
ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા કે જે શિપીંગ મંત્રાલય હેઠળ આવે છે. દેશમાં અંતરદેશીય જળ પરિવહન વધારવા માટે રાષ્ટ્રીય જળમાર્ગ અધિનિયમ 2016ની રચના કરવામાં આવી હતી. જેવી રીતે રાષ્ટ્રીય ધોરી માર્ગ હોય છે તેવી રીતે જળ માર્ગોને નંબર આપવામાં આવ્યા હતા. કુલ 111 રાષ્ટ્રીય જળ માર્ગ નક્કી કરવામાં આવ્યા હતાં. જોકે તકનિકી વ્યવહારતા અને વિસ્તૃત યોજના રીપોર્ટના આધારે હાલ તો દેશના 25 રાષ્ટ્રીય જળ માર્ગને જ માલ પરિવહન માટે યોગ્ય માનવામાં આવ્યા છે. આ જળ માર્ગોમાં કચ્છના રણથી રાજસ્થાન સુધી જવાઇ-લુણી રાષ્ટ્રીય જળ માર્ગ નં.48નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

ફિઝિબિલિટી રિપોર્ટ અને વિગતવાર હાઇડ્રોગ્રાફિક સર્વે કરાવવામાં આવ્યો
​​​​​​​
આ જળ માર્ગથી રાજસ્થાન જળ માર્ગે કચ્છના રણના સહારે છેક અરબ સાગર સુધી જોડાઇ શકે તેમ છે. આ યોજના માટે સરકાર દ્વારા ફિઝિબિલિટી રિપોર્ટ અને વિગતવાર હાઇડ્રોગ્રાફિક સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં કચ્છના કોટેશ્વર પાસે દરિયાના મુખમાંથી રાજસ્થાનાની લુણી નદી (491.903 કિમી) અને જવાઈ નદીના ગાંધવ ગોલીયા ગામના પુલ સુધી તથા જાલોર (123.542 કિમી) સુધી સર્વે કરવામાં આવ્યો હતો.

હાલ આ યોજના અભેરાઇ પર ચડાવી દેવાઈ છે
આ સર્વે રીપોર્ટમાં કોટેશ્વરથી 0.0 થી 53.0 કિમી સુધીની સાંકળ ભરતી વિસ્તાર છે, જેમાં 0.0 થી 52.0 કિમી ઊંચી ભરતી દરમિયાન માલવાહક જહાજો માટે યોગ્ય હોવાનું બહાર આવ્યું છે. બાકીની ચેઇનેજ 53.0 કિમીથી 615.445 કિમી સુધીનો વિસ્તાર શુષ્ક છે. જેથી આ વિસ્તારમાં ડ્રેજિંગ જરૂરી છે. વળી આ યોજનાની યથાર્થતા માટે વિસ્તૃત આયોજન કરવાની ભલામણ કરવામાં આવી હતી. જેના પગલે સરકાર દ્વારા હાલ આ યોજના અભેરાઇ પર ચડાવી દેવામાં આવી છે. કારણ કે આ યોજના ખૂબ જ ખર્ચાળ અને વ્યવહારૂ હોય તેવુ લાગતું નથી.

સર્વેક્ષણ વિસ્તારનો ઉપયોગ હાલ બીએસએફના જહાજો કરે છે
આ સર્વે રીપોર્ટમાં જણાવાયુ છે કે કચ્છના રણના 0 થી 52 કિમી સુધીના સર્વેક્ષણ વિસ્તારનો ઉપયોગ હાલ બીએસએફના જહાજો કરે છે. જ્યારે ઉપરના પટ પર જુદા જુદા વિસ્તારમાં નાની માછીમારી બોટોનુ પરિવહન થાય છે. ત્યારબાદ જળ માર્ગ પર 53 કિમીથી 491.903 કિમી સુધીની સાંકળમાં શુષ્ક વિસ્તાર જોવા મળે છે. તેવી જ રીતે જવાઈ નદીમાં 0 થી 123 કિમીની સાંકળ સુધી સૂકો વિસ્તાર જોવા મળે છે.

આવી રીતે સમજો જળ માર્ગનો રૂટ, જેના પર સર્વે કરાયો
કચ્છના સમુન્દ્ર કાંઠે કોરી ક્રીકથી સમુન્દ્રના મુખથી કોટેશ્વર સુધી 0 થી 25 કિમી, નારાયણ સરોવરથી લખપત કિલ્લો 25.0 53 કિમી, લખપત થી મુધાન 53.00થી 75 કિમી, મુધાનથી હાજીપીર 75 થી 100 કિમી, હાજી પીરથી ઉધમો ગામ 100 થી 125 કિમી, ઉધમોથી ખાવડા 125 થી 150 કિમી, ખાવડાથી ઇન્ડિયા બ્રિજ 150થી 175 કિમી, ઇન્ડિયા બ્રિજ થી કાળો ડુંગર 175થી 200 કિમી, કાળો ડુંગર થી ધોળાવીરા ફોસિલ પાર્ક 200થી 225 કિમી, ધોળાવીરા ફોસિલ પાર્ક થી અમરાપર 225 થી 250 કિમી, અમરાપરથી લીલાગર 250 થી 275 કિમી, લીલાગરથી વ્રજવાણી 275 થી 300 કિમી, વ્રજવાણીથી ફંગડી (પાટણ) 300થી 325 કિમી, ફંગડી થી જલોયા (બનાસકાંઠા) 325થી 350 કિમી, જલોયાથી ભરડાવા ગામ 350થી 375 કિમી,ભરડાવાથી ચોથર નેસડા ગામ 375 થી 400 કિમી,ચોથર નેસડાથી બખાસર (રાજસ્થાન) 400થી 421, ચોથર નેસડાથી સંક્રિયા 421 થી 450 કિમી, સંક્રિયાથી ચીમારા 450થી 475 કિમી, ચિમારાથી માલીપુરા ગામ 475થી 491 કિમી સુધી કચ્છના રણ અને લુણી નદી સુધીનો રૂટ છે. જ્યારે લુણીની સહાયક જવાઇ નદીના રાજસ્થાનાના ગામોમાં હેમાગુડા ગામથી નવી ગામ 0થી 25 કિમી, નવી ગામથી હરમૂ ગામ 25 થી 50 કિમી, હરમૂ ગામ થી આસાના ગામ 50.0થી 75 કિમી, આસાના થી ડાંગરા 75થી 100.0 કિમી, ડાંગરાથી જાલોર 100થી 123 કિમી સુધી જળ માર્ગનો પ્રસ્તાવ હતો.

નીતિન ગડકરીનો ડ્રીમ પ્રોજેક્ટ : કચ્છમાં આવી જાહેરાત કરી હતી
નવાઇની વાત એ છે કે તત્કાલિન કેન્દ્રીય શિપીંગ મંત્રી નીતિન ગડકરી વર્ષ 2016માં કંડલા-ગાંધીધામની મુલાકાતે હતા ત્યારે તેઓએ અહીં આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તેઓનો આ ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવતો હતો. જેતે વખતે આ પ્રોજેક્ટે કચ્છ અને રાજસ્થાનના લોકોમાં ભારે ઉત્સુકતા ઉભી કરી હતી. રાજસ્થાનમાં તો રાજકીય નેતાઓ અવાર-નવાર આ પ્રોજેક્ટની અમલવારી માટે રજૂઆત કરતા હોય છે.

ટર્મિનલ બાંધકામ માટે સ્થાનો
પ્રાથમિક સર્વે રીપોર્ટમાં આ જળ માર્ગ પર જો અમલવારી કરવામાં આવે તો ટર્મિનલ (બંદર) બાંધવા માટે ત્રણ સ્થળોની ભલામણ કરાઇ છે. જેમાં 22 કિમીના અંતરે નારાયણ સરોવર, 35 કિમીના અંતરે છેર મોટી અને ત્યારબાદ રાજસ્થાના બખાસરમાં ટર્મિનલ બાંધવા ભલામણ કરાઇ છે. જોકે આ ત્રણેય સ્થળો ટર્મિનલ માટે હાલ યોગ્ય નથી. ત્યાં ડ્રેજિંગ સહિતની સુવિધા વિકાસવા પણ ભલામણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...