સમસ્યા:માંડવીમાં 2.75 કરોડના ખર્ચે કરાતું આગવી ઓળખનું કામ 2 વર્ષથી ટલ્લે

માંડવી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ ઠેકેદારને બ્લેકલિસ્ટ કરતાં 2.75 કરોડનો ડ્રીમ પ્રોજેક્ટ અટવાયો

માંડવીના ટોપણસર તળાવના કિનારે પ્રવાસીઓને આકર્ષવા માટે 2.75 કરોડના ખર્ચે ડ્રીમ પ્રોજેક્ટ ‘આગવી ઓળખ’ના નામે બે વર્ષ પહેલાં કામ શરૂ કરાયું હતું. દરમિયાન પાલિકામાં રચાયેલી નવી કારોબારી સાથે સુસંગત ન થતા ઠેકેદારને બ્લેક લિસ્ટ કરાયા હોવાથી કામ ટલ્લે ચડ્યું છે.મ્યૂનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા સુધરાઇને 4 કરોડ ફાળવાતાં 2.75 કરોડના ખર્ચે આગવી ઓળખનું કામ શરૂ કરવા તા. 21/11/2020ના વર્ક ઓર્ડર અપાયો હતો. ફૂડ પાર્ક, જંગલ જીમ, સ્કેટિંગ સહિતના આકર્ષણોનો ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો હતો.

કામ શરૂ થયાના એક માસમાં પાલિકામાં નવા સૂત્રધારોએ સત્તાના સૂત્રો સંભાળતાં ઠેકેદાર સાથે સંકલનનો અભાવ થવાથી થોડા મહિના માટે કામ બંધ રહ્યું હતું. જો કે, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની દરમિયાનગીરીથી અમદાવાદના શ્રીજી કન્સ્ટ્રક્શનના ઠેકેદાર દર્શન પટેલ દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું. તા. 25/5/21ના મળેલી પાલિકાની સામાન્યસભામાં ઠેકેદારને બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત મુકાઇ હતી પણ બળૂકા જૂથ દ્વારા તેને કાઢી નાખવામાં આવી હતી.

તા. 27/10ના ફરીવાર મળેલી સામાન્યસભામાં કોન્ટ્રાક્ટરને કામો પૂરા કરવા વધારાની સાત મહિનાની મુદ્દત અપાતાં કામ પુન: શરૂ કરાયું હતુ પણ બિલના ચૂકવણામાં વિલંબ થતાં ફરી કામ બંધ કરી દેવાયું હતું. છેલ્લે તા. 28/8ના મળેલી સામાન્યસભામાં કરાર મુજબ સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થવાથી અને આ બાબતે નોટિસ આપવા છતાં દાદ ન મળતાં કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવાની ફરી એકવાર દરખાસ્ત મુકાઇ હતી જે મંજૂર થતાં ઠેકેદાર બ્લેક લિસ્ટમાં મુકાઇ ગયા હતા.

આમ ઉતાર ચડાવ વચ્ચે અટવાયેલા આગવી ઓળખના કામને આગળ વધારવા ફરી એકવાર ઓન લાઇન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ હતી જેના ત્રીજા પ્રયાસમાં પણ કોઇએ રસ દાખવ્યો ન હોવાથી હવે આ ડ્રીમ પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે તે જોવાનું રહ્યું. ઉલ્લેખનીય છે કે, કામ તાત્કાલિક પૂર્ણ કરવા ધારાસભ્યે સંકલનની બેઠકમાં પણ તાકીદ કરી હતી.

ઠેકેદારે પ્રાદેશિક કમિશનરને કરી ફરિયાદ
કામ રાખનારી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા પ્રાદેશિક કમિશનરને કરાયેલી લેખિત ફરિયાદમાં પાલિકાના ઇજનેર ચિંતન પટેલ સામે આક્ષેપો કરાયા હતા જે મુજબ તા. 11/5/22ના 22 લાખનું બિલ મુકાયું હતું તેને મંજૂર કરવા ઇજનેર દ્વારા નાણાની માગણી કરાઇ હતી. રજૂઆતના પગલે આરસીએમ ધિમંતકુમાર વ્યાસે સમગ્ર પ્રકરણની તપાસ કરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...