ભુજના ગણેશનગરમાં રહેતા અને રીક્ષા ચલાવતા ફરિયાદીએ એક વર્ષ અગાઉ આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા.જે ચૂકવી દીધા બાદ પણ આરોપીઓએ ઉઘરાણી કરતા કંટાળીને ફિનાઈલ પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી.પોલીસે ત્રણે આરોપીઓની અટકાયત કરી 21 હજારનો મુદામાલ રીકવર કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજના ગણેશનગરમાં રહેતા દિનેશભાઈ રમેશભાઈ ગુસાઈએ માનકુવા પોલીસ મથકે ભુજના ધિરેન્દ્ર ઉર્ફે જીગો ભગવતી પ્રસાદ દવે, દીક્ષીતાબેન ધીરેન્દ્રભાઈ દવે અને ગણેશનગરના પિંકીબેન દિવ્યાંગભાઈ ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.ફરિયાદીએ આરોપી પાસેથી અલગઅલગ સમયે કુલ રૂપિયા 1.35 લાખ વ્યાજે લીધા હતા.
જેના પેટે ફરિયાદીએ વ્યાજ સહીત રૂપિયા 1.46 લાખ અને એક મોબાઈલ આપી દીધા હતા. તેમ છતાં આરોપીઓએ ફરિયાદી પાસેથી ઉઘરાણી ચાલુ રાખી અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી.ફરિયાદીના માતા-પિતા પાસે ઘરે જઈ આરોપીઓએ પૈસાની ઉઘરાણી કરતા કંટાળીને ફરિયાદીએ ફિનાઈલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
જેના પગલે માનકુવા પોલીસ મથકે ત્રણે આરોપીઓની અટકાયત કરી આરોપી ધિરેન્દ્ર ઉર્ફે જીગો ભગવતી પ્રસાદ દવેને સાથે રાખી તેના ઘરની ઝડતી તપાસ કરતા ફરિયાદી પાસેથી લીધેલ મોબાઈલ સહીત રોકડ રૂપિયા 11 હજાર રીકવર કરવામાં આવ્યા છે.પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. વ્યાજખોરોના વધતાં ત્રાસ વચ્ચે પોલીસ દ્વારા ગણેશનગરના રિક્ષા ડ્રાઇવરને ન્યાય અપાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.