ઓનલાઇન પ્રક્રિયા:બિનખેતીમાં નાણાં ભરવાની મુદ્દત 21થી વધારી 50 દિવસ કરાઈ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસ.એમ.એસ. અને ઈ-મેઈલથી જાણ થયા બાદ મુદ્દત વીત્યે રદ
  • પરવાનગી બાદ અરજદારોને પડતી હાલાકી દૂર કરવા મહેસુલ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી સૂચનાઅો અપાઈ

ગુજરાત સરકારના મહેસુલ વિભાગે 26મી અોગસ્ટે પરિપત્ર બહાર પાડીને બિનખેતી પરવાનગીના હુકમના નાણા ભરપાઈ કરવાની મુદ્દત વધારવા નિર્ણય લીધો છે, જેમાં નાણા ભરવાની જાણ કરતો અેસ.અેમ.અેસ. કે ઈ-મેઈલ કર્યા બાદ 21 દિવસમાં નાણા ભરાઈ કરવામાં ન અાવે તો પરવાનગી રદ કરવામાં અાવતી હતી. જે મુદ્દત વધારીને 50 દિવસની કરાઈ છે.પરિપત્રમાં જણાવાયું હતું કે, સક્ષમ અધિકારી દ્વારા બિનખેતી પરવાનગીની કાર્યવાહી ત્રણ મહિનાથી વૈદ્યાનિક સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહે છે. ત્યારબાદ સરળીકરણના ભાગ રૂપે બિનખેતીની પરવાનગી પ્રક્રિયા અોનલાઈન કરવામાં અાવી છે.

બિનખેતી પરવાનગીના હુકમ અન્વયે અોનલાઈન પેમેન્ટથી નાણા ભરપાઈ કરવા અેસ.અેમ.અેસ. કે ઈ-મેઈલથી જાણ કર્યાના 21 દિવસમાં નાણા જમા ન કરાવવાના કિસ્સામાં પરવાનગી રદ થયેલી ગણાવાની જોગવાઈ અમલી કરાઈ હતી. પરંતુ, ટેકનીકલ ક્ષતિને કારણે અથવા કાબૂ બહારના સંજોગોને કારણે અરજદારો 21 દિવસની સમયમર્યાદામાં નાણા જમા કરાવવામાં નિષ્ફળ જાય તો બિનખેતી પરવાનગીનો હુકમ રદ થાય છે. અરજદારે પુન:બિનખેતી પરવાનગી મેળવવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જેના લીધે સમયનો વ્યય થાય છે અને હાલાકી ભોગવવી પડે છે, જેથી મુદ્દત વધારવાનો નિર્ણય લેવાયો છે.

કચ્છમાં 2019થી અત્યાર સુધી 4000 અરજી માન્ય ઠરી
2019થી અોન લાઈન અરજી કરવી પડે છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી અંદાજે 4000 અરજી માન્ય ઠરી છે. અંદાજિત 3200 જેટલી અરજીઅો મંજુર કરાઈ છે. જમીન નવી શરતની હોય કે અન્ય કોઈ અધુરાશ હોય તો તેવી 800 અરજી દફતરે કરાઈ છે. જે પૈકી જે અરજીમાં પૂર્તતા કરાઈ છે તેવી અરજીઅોનો નિકાલ પણ કરાયો છે.

નિકાલની મુદ્દત 10થી 90 દિવસ
અરજદાર બિનખેતી પરવાનગીની અોન લાઈન અરજી કરે અેટલે ગાંધીનગરથી નાયબ કલેકટર કક્ષાના અધિકારી અરજી મુજબ ત્રણ પ્રકારે અલગ તારવે છે, જેમાં રેડ ચેનલમાં 90 દિવસ, યેલો ચેનલમાં 45 દિવસ અને ગ્રીન ચેનલમાં 10 દિવસમાં નિકાલ કરવામાં અાવે છે.

અરજદારને જાણ કરવી પડશે
અરજદાર 50 દિવસમાં નાણા ભરપાઈ ન કરે તો પરવાનગી રદ થયાની જાણ અરજદારને અેસ.અેમ.અેસ. કે ઈ-મેઈલથી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...