રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ વહેલી યોજાય તેવી વહેતી થયેલી વાતો વચ્ચે કચ્છમાં રાજકીય પક્ષો તેમજ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પણ વિધાનસભાની બેઠકો મુજબ નાયબ મામલતદારો સહિત હંગામી ધોરણે મહેકમ મંજૂર કરાયું છે.
કચ્છની વિધાનસભાની 6 બેઠકોની સામાન્ય ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ અત્યારથી જ દાવપેચ શરૂ કરી દીધા છે. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પણ ઇવીએમના પરીક્ષણને લગતી તૈયારીઓ આદરી છે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે તા.25-7-22ના પરિપત્રથી વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ને લઇને મતદારયાદી તૈયાર કરવી, મતદારોને ઓળખપત્રો પૂરા પાડવા, મતદાન મથકોનું પુનર્ગઠન, ચૂંટણી સાહિત્ય તૈયાર કરવું, ચૂંટણી સામગ્રી મેળવવી, ઇવીએમ પરીક્ષણ, મતદાર જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમોનું અસરકારક અમલીકરણ વગેરેને લઇને જિલ્લા, તાલુકા ચૂંટણી અધિકારીઓની કચેરીઓમાં તા.1-9-22થી તા.31-1-23 સુધીના સમયગાળા માટે હંગામી સ્ટાફ મંજૂર કરવામાં આવ્યું છે, જે મુજબ કચ્છય જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીએ 2 નાયબ મામલતદાર, 4 ડેટા એન્ટ્રી ઓપરેટર, 1 ડ્રાઇવર, 2 પટાવાળા સહિત 9 જણાનું હંગામી મહેકમ મંજૂર કરાયું છે.
વિધાનસભાવાર 4 જણાનો વધારો સ્ટાફ
જે-તે વિધાનસભા મત વિભાગના ચૂંટણી અધિકારીઓ (આર.ઓ.એસ.) કચેરીમાં પણ 1 નાયબ મામલતદાર, 2 ડેટા એન્ટ્રી ઓપરેટર, 1 પટાવાળા સહિત 4નો જણાના હંગામી સ્ટાફની વ્યવસ્થા કરાશે. વધુમાં તમામ જિલ્લાવાર એકપેન્ડીચર મોનીટરીંગ સેલ ઉભું કરાશે, જેમાં 2-2 નાયબ મામલતદાર, કલાર્ક સહિત 4 જણાનું મહેકમ મંજૂર રાજ્યના સામાન્ય વહીવટી વિભાગના નાયબ સચિવ હેમાંગ રાણા દ્વારા કરાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.