અનુરોધ:શેરી ફેરિયા અધિનિયમના ઉલ્લંઘનથી નેશનલ હોકર્સ ફેડરેશન આકરાં પાણીએ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફેરિયાઓને હટાવવાની પ્રક્રિયા બંધ કરવા પાલિકાઓના પ્રાદેશિક કમિશ્નરને તાકીદ

શહેરોમાં શેરી ફેરિયાઓ માટે સરકારે અધિનિયમ અને કાયદાકીય જોગવાઇઓ કરી હોવા છતાં કચ્છ જિલ્લાના ભુજ, અંજાર અને ગાંધીધામ જેવાં શહેરોમાં કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, જેથી નેશનલ હોકર્સ ફેડરેશને નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશ્નરને લેખિત અરજી પાઠવી સ્થાનિક નગરપાલિકાઓને કાયદાનું પાલન કરાવવા અનુરોધ કરાયો છે.

દેશના 28 રાજ્યોના શેરી ફેરિયાઓનાં સંગઠન ‘નેશનલ હોકર્સ ફેડરેશન’ દ્વારા ઉપરોક્ત સંદર્ભે પ્રાદેશિક કમિશ્નરનું ધ્યાન દોરતાં જણાવાયું છે કે 2014ના શેરી ફેરિયા અધિનિયમના સેક્શન 3(3) મુજબ જ્યાં સુધી દરેક શેરી ફેરિયાઓનો સરવે પુરો ન થાય અને દરેક ફેરિયાને વેન્ડિંગ સર્ટીફિકેટ આપવામાં ન આવે ત્યાં સુધી કોઇપણ શેરી ફેરિયાને તેની ધંધા રોજગારની જગ્યા પરથી હટાવી કે સ્થળાંતરિત ન કરી શકાય. દર પાંચ વર્ષે કમ સે કમ એક વાર ફેરિયાઓનો નવેસરથી સરવે થવો જોઇએ. ફેડરેશનના ધ્યાનમાં આવ્યું છે કે કચ્છના ભુજ, અંજાર, ગાંધીધામ જેવાં શહેરોમાં ફેરિયાઓને ગેરકાયદેસર રીતે કોઇ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર તેમની જગ્યા પરથી હટાવવામાં આવ્યા છે.

એટલું જ નહિં જ્યારે અધિનિયમમાં એવો પણ ઉલ્લેખ છે કે જે માલસામાન બગડી જાય એવો હોય એ સામાન ફેરિયાને 4 કલાકમાં પરત આપી દેવાનો હોય છે, તેના બદલે ફેરિયાઓના માલસામાન એમજ ઉઠાવી જવાય છે અને કોઇ રસીદ પણ આપવામાં નથી આવતી. તેમજ ટાઉન વેન્ડિંગ કમિટીમાં પણ આ બાબતે કોઇ ચર્ચા કરવામાં નથી આવતી.

ફેડરેશન દ્વારા પ્રાદેશિક કમિશ્નરને તાકીદ કરવામાં આવી છે કે એમના જ્યુરીશડીક્શનમાં આવતી તમામ નગરપાલિકાઓને દરેક ફેરિયાઓનો સરવે ન થાય અને વેન્ડિંગ સર્ટીફિકેટ ન મળી જાય ત્યાં સુધી ફેરિયાઓને હટાવવાની ગેરબંધારણીય કાર્યવાહી અટકાવવા માટે કાયદેસરના આદેશ આપવામાં આવે. અન્યથા અધિનિયમનાં ઉલ્લંઘનના વિરોધમાં ફેડરેશનને નાછુટકે આકરાં પગલાં ભરવા પડશે.

અન્ય સમાચારો પણ છે...