અંદાજ:પાલિકાએ દબાણવાળા વિસ્તારોમાંથી 4 કરોડની વસુલાતનો અંદાજ બાંધ્યો

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી અને ગટરના જોડાણ હોઈ સેવા ચાર્જ વસુલવા સર્વે ટીમ કામે લાગી
  • ઘરોઘર બિલ પહોંચી જશે અને ભરપાઈ ન કરનારાને સેવા નહીં અપાય

ભુજ નગરપાલિકાઅે શહેરની પૂર્વથી ઉત્તર દિશા અને પશ્ચિમથી ઉત્તર દિશાન દબાણવાળા વિસ્તારોમાં પાણી અને ગટરના જોડાણ ધરાવનારા પાસેથી સેવા ચાર્જ વસુલવા માટે સર્વે ટીમ કામે લગાડી છે. દબાણવાળા વિસ્તારોમાંથી હિસાબી વર્ષના માર્ચ અેન્ડિંગ સુધી 4 કરોડ રૂપિયા વસુલાતનો અંદાજ પણ બાંધ્યો છે. જો બધું સમુસૂતરું પાર પડ્યું તો હિસાબી વર્ષ 2022/23ના અંત સુધીમાં 15 કરોડ ઉપરાંતની વેરા વસુલાત થઈ જશે.

શહેરમાં પૂર્વ દિશાની ભુજીયાની તળેટીથી છેક ખાવડા રોડ સુધી અને પશ્ચિમ દિશાના જૂની રાવલવાડી ઉપરાંત ખારીનદી વિસ્તાર સુધી દબાણોનો રાફડો ફાટ્યો છે, જેમાં કેટલાક વગદારો અને ભૂમાફિયાઅે કાચાપાકા મકાનો બનાવીને ભાડે અાપી દીધા છે. અે વિસ્તારોમાં દબાણવાળા મકાનો પણ અોછામાં અોછા પાંચથી સાત લાખ રૂપિયામાં વેચાઈ રહ્યા છે. જે મકાનોમાં નગરપાલિકાના નળ અને ગટર જોડાણ પણ છે. પરંતુ, દાયકાઅોથી કોઈઅે ફૂટી કોડી પણ ભરી નથી, જેથી નગરપાલિકાને કરોડો રૂપિયાની અાવક ગુમાવવાનો વખત અાવ્યો છે.

જોકે, હવે અેવા વિસ્તારોમાં નળ અને ગટર જોડાણનો સર્વે શરૂ કરી દેવાયો છે. જેઅો પાણી અને ગટરના જોડાણના બિલ અાપવામાં અાવશે. જે લોકો અે બિલની ભરપાઈ નહીં કરે ભવિષ્યમાં અેમના જોડાણ કાપી નાખવાની ગણતરીથી કામગીરી અાગળ ચાલી રહી છે. સમજાવટથી કામ લેવા માટે સ્થાનિક નગરસેવકોનો સહયોગ લેવાશે. જોકે, હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. પરંતુ, ટીમો કામે લાગી ગઈ છે.

અેપ્રિલ માસમાં દૈનિક 7 લાખની અાવક શરૂ થઈ ગઈ
સૂત્રોઅે જણાવ્યું હતું કે, અગાઉનું લેણું ભરી નાખ્યું હશે અને હિસાબી વર્ષ 2022/23નું લેણું મે મહિનાની 31 તારીખ સુધી ભરી નાખશે અેને મિલકત વેરામાંથી 10થી 15 ટકા રાહત મળવાની છે, જેથી લોકોઅે રાહતનો લાભ લેવા અેપ્રિલ માસથી જ ધસારો શરૂ કરી દીધો છે અને દૈનિક સરેરાશ 7 લાખ રૂપિયાની અાવક શરૂ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...