ગૌમાતા પોષણ યોજનાની સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં જાહેરાત કરવામાં આવી હતી, પણ તેને સાડા ત્રણ માસ જેટલો સમય થયો, છતા હજી સુધી આ યોજના લાગુ કરવામાં ન આવતા કચ્છના ગૌ સંચાલકોમાં નારાજગી ફેલાઈ હતી.
આઠ દિવસના આમરણાંત ઉપવાસ બાદ ગુરુવારે બપોરે બે વાગ્યે પારણા કરાવવામાં આવશે તેવી કચ્છ પ્રભારી કિર્તિસિંહ વાઘેલાએ ખાતરી આપી હતી, પરંતુ સાંજે સાત વાગ્યે પારણા કરાવ્યા હતા. ગૌધન માટે એક વ્યક્તિ આમરણાંત ઉપવાસ કરે અને તેને માત્ર કચ્છ જ નહિ, ગુજરાત અને મુંબઈથી સહકાર મળ્યો હતો, ત્યારે પ્રભારી ભુજમાં આવ્યા બાદ પણ પાંચ કલાક મોડા આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.
નાણાપ્રધાને પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી માટે 500 કરોડની જોગવાઈની જાહેરાત કરી હતી. રાતાતળાવ સંત વાલરામજી મહારાજ પાંજરાપોળના 74 વર્ષીય સંચાલક મનજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી સતત રજૂઆત કરવામાં આવે છે, છતાં સરકાર દ્વારા સબસિડી આપવાની શરૂઆત કરવામાં આવી નથી.
સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળમાં 4500 ગૌવંશનો નિભાવ થાય છે. એવી જ રીતે કચ્છની પાંજરાપોળમાં હજારો ચોપગાને આશરો આપવામાં આવે છે. દરરોજ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. જો કે, આજે આઠ દિવસ બાદ સરકાર તરફથી કચ્છ પ્રભારી કિર્તિસિંહ વાઘેલાએ આ સંદર્ભે સરકાર ચોક્કસ યોજના લાગુ પડશે તેવી ખાતરી આપી પારણા કરાવ્યા હતા.
સાથે કચ્છ જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ અને પંકજ મહેતા હાજર રહ્યા હતા. ગુજરાતના અનેક પાંજરાપોળને ફાયદો થશે. વાલરામજી મહારાજ પાંજરાપોળ, રાતા તળાવના ટ્રસ્ટી મનજી બાપુની સાથે ઉપવાસમાં અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવાસંઘના પ્રમુખ ભરતભાઈ સોંદરવા, અબડાસા તાલુકા પંચાયતના ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી, કૈલાસ ગોસ્વામી વગેરે જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.