ખાતાકીય તપાસ બાદ આદેશ:પોસ્ટ કૌભાંડના મુખ્ય સૂત્રધારો ફરે છે ને કર્મીઓ પાસેથી મોટી રકમની રિકવરી

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિકવરીનો આંકડો 35 હજારથી લઇને અધધ 96 લાખ સુધી પહોંચ્યો
  • ખાતાકીય તપાસ બાદ આદેશથી નિવૃત્ત, હાલે ફરજ બજાવતા કર્મચારીઓમાં ઉચાટ

રાજ્યમાં બહુચર્ચિત ભુજના રાવલવાડી પોસ્ટ કાૈભાંડનો અાંકડો 25 કરોડથી પણ વધી જાય તેમ છે અને અા કાૈભાંડ જે સમય દરમ્યાન અાચરાયું અને તે સમય દરમ્યાન રાવલવાડી પોસ્ટ અોફિસમાં ફરજ બજાવી ગયેલા નિવૃત્ત અને હાલે અન્ય અન્યત્ર ફરજ બજાવતા 70થી વધુ કર્મચારીઅો પાસેથી રિકવરીથી કચવાટ જોવા મળી રહ્યો છે.

જે-તે વખતે પોસ્ટ કાૈભાંડના મુખ્ય સૂત્રધાર સચિન શંકરલાલ ઠક્કર, પોસ્ટ અેજન્ટ પ્રજ્ઞા સચિન ઠક્કર તેમજ સબ પોસ્ટ માસ્ટર વિનય દેવશંકર દવે, બટુક જિતેન્દ્રરાય વૈષ્ણવ, બિપિનચંદ્ર રૂપજી રાઠોડ સામે ટપાલ વિભાગ દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી. ત્યારબાદ સીબીઅાઇની ટીમે પણ અલગથી ફરિયાદ નોંધીને તપાસ અાદરી હતી.

અા સાથે ટપાલ વિભાગ દ્વારા ખાતાકીય તપાસ ચાલી રહી હતી અને તે તપાસ દરમ્યાન રાવલવાડી પોસ્ટ અોફિસમાં અગાઉ ફરજ બજાવી ગયેલા નિવૃત્ત અને હાલે અન્ય પોસ્ટ અોફિસોમાં ફરજ બજાવતા 70થી વધુ કર્મચારીઅો પાસેથી મોટી રકમની રિકવરીથી કચવાટ ફેલાયો છે. સૂત્રોના કહેવા મુજબ અેક કર્મચારીઅે તો રાવલવાડી પોસ્ટ અોફિસમાં અન્ય અેક કર્મચારીના ચાર્જમાં માત્ર અેક જ દિવસ કામ કર્યું હતું અને તે કર્મચારી પાસેથી 35 હજારની રિકવરી કરાશે.

તો વળી અન્ય અેક કર્મચારી પાસેથી તો 96 લાખ જેવડી મસમોટી રકમની રિકવરીનો અાદેશ કરાયો છે. અા રીતે મોટી રકમની રિકવરીના અાદેશથી 70થી વધુ નિવૃત્ત અને હાલે ફરજ બજાવી રહેલા કર્મચારીઅોમાં ધ્રાસકો પડી ગયો છે. લોકમુખે અેવું પણ ચર્ચાઇ રહ્યું છે કે, અા રીતે પોસ્ટ કર્મચારીઅો પાસેથી રિકવરી કરી, કચ્છના અેક મોટા ગજાના રાજકીય અગ્રણીની વગથી અા મામલો રફેદફે કરવાના પેંતરા ચાલી રહ્યા છે. પોસ્ટ કૌભાંડનો 250થી વધુ ગ્રાહકો ભોગ બન્યા છે અને જે લોકોના નાણાં સલવાઇ ગયા છે, તે પૈકી અમૂક ગ્રાહકોએ જિલ્લા ગ્રાહકો ફોરમ અને હાઇકોર્ટ, સર્વોચ્ચ અદાલત સુધી જવાની તૈયારી કરી લીધી છે.

ચૂંટણી બાદ સીબીઅાઇ ચાર્જશીટ કરે તેવી શક્યતા
તા.21-9-22ના સીબીઅાઇની ટીમ ભુજ અાવી હતી અને ઉમેદ ભવન ખાતે 5 દિવસ રોકાણ કર્યું હતું. સૂત્રોના કહેવા મુજબ સીબીઅાઇ તપાસ હવે અંતિમ ચરણમાં છે અને વિધાનસભાની ચૂંટણી બાદ અેટલે કે, ડિસેમ્બર મહિનામાં સીબીઅાઇ દ્વારા ચાર્જશીટ કરાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...