ભુજ શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલા બિહારીલાલ મહાદેવ મંદિરના મહંતને ચાર જેટલા શખ્સોએ માર માર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. મંદિરના સંકુલ અંદરથી મહંતને બે શખ્સો બહાર ખેંચી લાવતા વીડિયામાં જોવા મળે છે. તેમજ અન્ય બે શખ્સોએ સાથે મળીને મહંતને મારમાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
મહંત દ્વારા પાલતુ શ્વાનને માર મારવા બદલ ચાર શખ્સોએ મહંતને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગેની નામજોગ ફરિયાદ મહંત દ્વારા પોલીસ મથકે દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે, સામાન્ય વાત માટે મંદિરના મહંત પર હીંચકારા હુમલાથી શહેરમાં ચકચાર સાથે રોષની લાગણી ફેલાઇ છે.
જિલ્લા મથક ભુજ શહેરમાં છેલ્લા કેટલાક બનાવો પરથી ક્રાઇમનું સ્તર ઉપર આવી ગયું હોય એમ લાગી રહ્યું છે. વ્યાજે આપેલા નાણાંની રકમમાં માત્ર રૂ. 500 ઓછા પરત મળતા યુવકની આરોપીએ છરી વડે નિર્મમ હત્યા નિપજાવી દીધી હોવાની ઘટના બન્યા બાદ હવે મંદિર અંદર રહેલા મહંતને માથાભારે શખ્સોએ બહાર ખેંચી લાવીને માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે પોલીસ તંત્ર સખ્ત દ્રષ્ટિકોણ અપનાવે એવી માગ ઉઠી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.