કાર્યવાહી:કચ્છની સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ,હવે પંજાબ પોલીસની તપાસ પર મૂળિયા ઉલેચાવાનો દારોમદાર

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લખપતથી ખનીજની આડમાં પંજાબ પહોંચેલા 38 કિલો હેરોઇનનો મામલો
  • સ્થાનિકે એજન્સીઓ હરકતમાં આવતા ક્રિક અને દરિયાઇ વિસ્તારમાં જાપતો વધારવામાં આવ્યો

સરહદી કચ્છના દરિયાકાંઠે 190 કરોડનું 38 કિલો હેરોઇન પાકિસ્તાનથી આવ્યું અને લક્કી ગામના 2 શખ્સોએ આ ડ્રગ્સ ખનીજની આડમાં કચ્છથી મોકલી દીધું,રસ્તામાં ક્યાંય ચેકિંગ ન થયું પણ પંજાબના લુધિયાણામાં બાતમીના આધારે પોલીસે આ ટ્રકને રોકાવી તલાશી લેતા તેમાંથી 38 કિલો હેરોઇન મળી આવ્યું હતું.અને આ હેરોઇન કચ્છથી ભર્યું હોવાનું ડ્રાઇવર અને ક્લીનર દ્વારા નિવેદન આપવામાં આવતા તાત્કાલિક પંજાબ પોલીસે એટીએસની ટુકડીને જાણ કરી હતી.

જેથી ગુપ્ત ઓપરેશન પાર પાડી લક્કી ગામના 2 યુવકો ઉંમર ખમીશા જત અને હમદા હારુન જતની અટકાયત કરી પંજાબ પોલીસને કસ્ટડી આપવામાં આવી છે.જોકે આ સમગ્ર ઘટનાક્રમમાં સ્થાનિક પોલીસ ઉઘતી જ ઝડપાઇ છે.કારણકે અવારનવાર એટીએસ દ્વારા ગુપ્ત ઓપરેશન પાર પાડીને ડ્રગ્સ તેમજ ગુનેગારોને ઝડપી લેવામાં આવે છે પરંતુ સ્થાનિકે જિલ્લામાં આવેલી ગુપ્તચર એજન્સીઓ તેમજ પોલીસની મહત્વની શાખાને આવા ઇનપુટ મળતા જ નથી.જેથી બહારની એજન્સી કાર્યવાહી કરી જાય છે.સિદ્ધુ મૂસેવાલા કેસમાં પણ દિલ્હી પોલીસ મુન્દ્રામાંથી ખૂંખાર ગેંગસ્ટર પકડી ગઈ હતી.

જે બાબતો ઘણી સુચક માનવામાં આવે છે દરમિયાન આ માલ પાકિસ્તાનથી આવ્યો હતો અને બુધુબંદરે લોડ થયો હોઇ દરિયાઈ અને ક્રિક વિસ્તારમાં સુરક્ષા જાપતો વધારી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.સ્થાનિક પોલીસ તો ઊંઘતી ઝડપાઇ છે હવે પંજાબ પોલીસની તપાસ પર મૂળિયા ઉલેચાવાનો દારોમદાર રહ્યો છે.કસ્ટડી દરમ્યાન વધુ ખુલાસાઓ થવા પામ્યા છે પણ તપાસ ચાલુમાં હોઈ હાલ તબક્કે કઈ પણ કહેવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે.

આ તો ડ્રગ્સ હતું,વિસ્ફોટક આવી જાય તો ?
સરહદી કાંઠે પાકિસ્તાનના ઈસમો આવી ડ્રગ્સ ફેંકી ગયા અને લક્કીના 2 યુવાનોએ ડિલિવરી પણ લઈ લીધી આવી રીતે નાપાક ગતિવીધી માટે વિસ્ફોટક સામગ્રી કચ્છમાં આવી જાય તો ? તેવો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.અહીં સુરક્ષા વધારવા સાથે સરહદી ગામોમાં બાતમીદારોનું નેટવર્ક મજબૂત કરવામાં આવે તે પણ સમયની માંગ છે.

બુદ્ધુબંદરે લક્કીના 2 શખ્સોની એન્ટ્રી છે કે કેમ ? તપાસ કરાઈ
દરમ્યાન પગડીયા માછીમારો દરિયામાં જાય ત્યારે બીએસએફના એન્ટ્રી ગેટ પર તેની નોંધ કરવામાં આવતી હોય છે ત્યારે લક્કી ગામના આ 2 શખ્સોની એન્ટ્રી છે કે કેમ ? તે જાણવા માટે શુક્રવારે બુદ્ધુબંદરે તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...