પાંચ દિવસ સુધી સતત 41 ડિગ્રી જેટલાં તાપમાન સાથે ગરમ રહેલાં જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો અઢી આંક જેટલો ઉંચે ચડીને 43.8 ડિગ્રીએ પહોંચતાં ચાલુ મોસમમાં સર્વાધિક ઉષ્ણતામાન સાથે બુધવાર ગરમ બન્યો હતો. બપોરે અંગ દઝાડતી લૂથી જન જીવનને અસર પડી હતી અને માર્ગો સૂમસામ બન્યા હતા. હજુ બે દિવસ ગરમીનું મોજું જારી રહેવાની સંભાવના દર્શાવાઇ છે.સામાન્ય કરતાં ચાર ડિગ્રી જેટલાં ઉંચા ઉષ્ણતામાન સાથે પાટનગર ભુજમાં ગરમીનું મોજું ફરી વળ્યું હતું. સવારે 72 ટકા અને સાંજે 17 ટકા જેટલું ભેજનું પ્રમાણ અને નહિવત ગતિએ ફૂંકાયેલા પવનને કારણે શહેરીજનો અંગ દઝાડતી ગરમીથી અકળાયા હતા.
સવારથી સૂર્ય નારાયણના આકરા તેવર સાથે મધ્યાહ્ને અગન વર્ષા થતાં માર્ગો પર ચહલ પહલ નહિવત્ બની હતી. ગત એપ્રિલમાં બે વાર મહત્તમ પારો 43.4 પર પહોંચ્યો હતો તેના બાદ બુધવારે ચાલુ ઉનાળે સર્વાધિક ઉષ્ણતામાન નોંધાયું હતું. તાલુકાની રણકાંધીએ આવેલાં ગામોમાં પણ અસહ્ય તાપ પડવાની સાથે બપોરે ગરમ પવન ફૂંકાતાં લોકોની હાલત કફોડી બની હતી. રવિ અને સોમવારે રાજ્યભરમાં ગરમ રહેલા કંડલા એરપોર્ટ પર પારો વધુ બે ડિગ્રી નીચે સરકીને 38.8 રહેતાં ગાંધીધામ અને અંજાર સહિતના પંથકમાં ગરમીમાં રાહત અનુભવાઇ હતી.
કંડલા એરપોર્ટ મથકે મંગળ અને બુધ એમ બે દિવસમાં ઉંચા તાપમાનનો પારો ચાર ડિગ્રી જેટલો ઘટ્યો હતો. કંડલા બંદરે અધિકત્તમ ઉષ્ણતામાપક પારો સ્થિર રહ્યો હોય તેમ 40.2 ડિગ્રી સાથે કાળઝાળ ગરમી અનુભવાઇ હતી. જ્યારે નલિયામાં મહત્તમ 36.8 ડિગ્રી સાથે ગરમીમાં રાહત રહી હતી. દરમિયાન આજે ગુરૂ અને કાલે શુક્રવારે કચ્છમાં ગરમીનું જોર યથાવત રહેવાનું પૂર્વાનુમાન વ્યક્ત કરતાં હવામાન વિભાગે પાઠવેલી યાદીમાં શનિવારથી તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટી જશે તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.